Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ભારતમાં 2 ક્રિપ્ટો એક્સચેન્જો યે નાણા જમા લેવાની સુવિધા બંધ કરી: દેશમાં હજુ ક્રિપ્ટો કરન્સી અંગે સ્પષ્ટતા નથી

કોઈન સ્વિચે અગાઉ રોકાણકારોએ જમા કરાવેલા નાણાં ઉપાડવાની છુટ ચાલુ રાખી

-ભારતમાં હજી ક્રિપ્ટોકરન્સી બાબતેનાં ધોરણોની સ્પષ્ટતા નથી એવામાં બે મોટાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોએ રોકાણકારો માટે નાણાં જમા કરાવવાની સુવિધા બંધ કરી દીધી છે. એક અહેવાલ મુજબ કૉઇનસ્વિચ કુબેર અને વઝિરેક્સે આ નિર્ણય લીધો છે. જોકે કૉઇનસ્વિચે રોકાણકારોને નાણાં ઉપાડી લેવાની છૂટ આપી છે.
નોંધનીય છે કે ડિજિટલ પેમેન્ટ્સ માટેની દેશની સર્વોચ્ચ સંસ્થા નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો માટે યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ)નો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

આ સંજોગોમાં ક્રિપ્ટો એક્સચેન્જોના યુઝર્સે માગણી કરી છે કે એક્સચેન્જોએ આ બાબતે સત્તાવાર રીતે નિવેદન બહાર પાડવું જોઈએ તથા વધુ વિગતો પૂરી પાડવી જોઈએ.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બીટકૉઇન ૪૦,૦૦૦ ડૉલરની સપાટીની ઉપર રહેવામાં સફળ નીવડ્યો હતો. અગાઉ ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ - આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૧૧ ટકા (૬૯ પૉઇન્ટ) સુધરીને ૫૯,૭૯૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૯,૭૨૭ ખૂલીને ૬૦,૯૩૬ સુધીની ઉપલી અને ૫૮,૬૫૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

દેશની નિકાસ માર્ચમાં ૨૦ ટકા વધીને ૪૨ અબજ ડૉલર

ગયા નાણાકીય વર્ષની કુલ નિકાસ ૪૨૦ અબજ ડૉલરે પહોંચી

દેશની માર્ચ ૨૦૨૨માં નિકાસ ૧૯.૭૬ ટકા વધીને ૪૨.૨૨ અબજ ડૉલરની થઈ છે, જે અગાઉના વર્ષ દરમિયાન ૩૫.૨૬ અબજ ડૉલરની થઈ હતી, એમ બુધવારે જાહેર કરાયેલા વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ કહે છે. માર્ચ મહિનામાં આયાત ૨૪.૨૧ ટકા વધીને ૬૦.૭૪ અબજ ડૉલરની થઈ હતી, જે માર્ચ ૨૦૨૧માં ૧૩.૬૫ અબજ ડૉલરની થઈ હતી. આમ માર્ચ મહિનામાં વેપારખાધ ૧૮.૫૧ અબજ ડૉલરની જોવા મળી છે.
જ્યારે વર્ષ ૨૦૨૧-'૨૨ દરમિયાન કુલ નિકાસ વધીને ૪૧૯.૬૫ અબજ ડૉલરની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે, જ્યારે આયાત પણ વધીને ૬૧૧.૮૯ અબજ ડૉલરની થઈ છે, જેને કારણે વેપાર ખાધ કુલ વધીને ૧૯૨.૨૩ અબજ ડૉલરની થઈ છે. વર્ષ ૨૦૨૦-'૨૧માં વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) ૧૦૨.૬૩ અબજ ડૉલરની જ હતી.

કાર્વી સ્ટૉક બ્રોકિંગ કેસમાં સેબીએ બીએસઈ, એનએસઈને દંડ ફટકાર્યો

બીએસઈને ત્રણ કરોડ અને એનએસઈને બે કરોડ રૂપિયાનો દંડ

શૅરબજાર રેગ્યુલેટર સેબીએ કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડ દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયાની ક્લાયન્ટની સિક્યૉરિટીઝના દુરુપયોગને શોધી કાઢવામાં તેમની તરફથી 'શિથિલતા' માટે સ્ટૉક એક્સચેન્જો બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને દંડ ફટકાર્યો છે.
બે અલગ-અલગ આદેશોમાં સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ બીએસઈ પર ૩ કરોડ રૂપિયા અને એનએસઈ પર બે કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ મામલો કાર્વીના ૨૩૦૦ કરોડ રૂપિયાની કિંમતની ક્લાયન્ટ સિક્યોરિટીઝનો દુરુપયોગ કરવા સંબંધિત છે, જે ૯૫,૦૦૦ કરતાં વધુ ગ્રાહકોના છે, તેમને માત્ર એક ડીમેટ અકાઉન્ટમાંથી ‌ગિરવે મૂકીને પ્રતિજ્ઞા સામે એકત્ર કરાયેલા ભંડોળનો કાર્વી દ્વારા પોતાના અને એના જૂથની સંસ્થાઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્વી સ્ટૉક બ્રોકિંગ અને એની જૂથ સંસ્થાઓએ આ નાણાંનો ઉપયોગ આઠ બૅન્કો, એનબીએફસી પાસેથી ૮૫૧.૪૩ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે પણ કર્યો હતો.

વર્લ્ડ બૅન્કે ભારતીય જીડીપીનો અંદાજ ૦.૭ ટકા ઘટાડીને આઠ ટકા મૂક્યો

વર્લ્ડ બૅન્કે યુક્રેન-રશિયાના યુદ્ધને લઈને ભારતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-'૨૩નો જીડીપીના ગ્રોથનો અંદાજ ઘટાડીને આઠ ટકા કર્યો છે, જે અગાઉ ૮.૭ ટકાનો મૂક્યો હતો. વર્લ્ડ બૅન્ક દ્વારા સાઉથ એશિયન ઇકૉનૉમીને લઈને બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારતની સાથે અફઘાનિસ્તાન સાથેના સાઉથ એશિયાના ગ્રોથમાં પણ એક ટકાનો ઘટાડો કરીને ૬.૬ ટકાનો અંદાજ મૂક્યો છે.
વર્લ્ડ બૅન્કે ગત જાન્યુઆરીમાં જ ભારતનો ચાલુ વર્ષનો અંદાજ ૮.૭ ટકાનો મૂક્યો હતો. વધારામાં બૅન્કે નોંધ્યું છે કે ભારત અને મૉલદીવ્ઝની વર્ષ ૨૦૨૧ની સરેરાશ રાજકોષીય ખાધ ઘટી છે, પરંતુ કોરોના પહેલાંના લેવલની તુલનાએ હજી પણ વધારે છે.
ભારતમાં વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા એપ્રિલથી જૂનમાં ગ્રોથ ધીમો રહે એવી ધારણા છે. યુદ્ધની અસર તમામ નાણાકીય બજારો પર પણ જોવા મળી છે અને ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકાનાં શૅરબજારોમાં પણ યુક્રેન પર ૨૪ ફેબ્રુઆરીએ હુમલો થયો ત્યાર બાદ ઘટાડો થયો છે. વર્લ્ડ બૅન્કે મૉલદીવ્ઝનો અંદાજ ૧૧ ટકાથી ઘટાડીને ૭.૬ ટકા મૂક્યો છે. શ્રીલંકાનો ગ્રોથ ૨.૧ ટકાથી વધારીને ૨.૪ ટકા કર્યો છે, જ્યારે પાકિસ્તાનનો ગ્રોથ ૩.૪ ટકાથી વધારીને ૪.૩ ટકાનો મૂક્યો છે.

ઇન્ફોસિસની આવક ૧૩થી ૧૫ ટકા વધશે

ઇન્ફોસિસ લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે કંપનીની વાર્ષિક આવકમાં ૧૩થી ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે, કારણ કે ભારતીય સોફ્ટવેર બેહેમથ તેમના ડિજિટલને વિસ્તુત કરવા વૈશ્વિક વ્યવસ્થા પાસેથી વધુ કરારો મેળવે છે. જાન્યુઆરીથી માર્ચ સમયગાળામાં કંપનીની આવક ૨૨.૭ ટકા વધીને ૩૨૨.૭૬ અબજ રૂપિયાની થઈ હતી. કંપનીનો નફો માર્ચ ક્વૉર્ટરમાં ૫૬.૮૬ અબજ રૂપિયાનો રહ્યો છે, જે ગત વર્ષે ૫૦.૭૬ અબજ રૂપિયાનો રહ્યો હતો.

આગની ઘટના ઈવીના વેચાણને અસર નહીં કરે

ઇલેક્ટ્રિક વાહનોમાં તાજેતરની આગની ઘટનાઓ દેશમાં ઇલેક્ટિક વાહનોના વેચાણ પર લાંબા ગાળાની અસર કરે એવી શક્યતા નથી, પરંતુ આ વાહનો સલામત છે કે નહીં એ વિશે તાત્કાલિક ખ્યાલ આવી શકે છે એમ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે જણાવ્યું હતું. ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગી હોય તેવી ઘટનાઓ વધી છે, જેમાં મહારાષ્ટ્રના નાશિકમાંથી તાજેતરમાં નોંધાયેલ એક ઘટના છે - જ્યાં ૪૦માંથી ૨૦ ઇલેક્ટ્રિક સ્કૂટર નવ એપ્રિલે જ્યારે એને કન્ટેનરમાં લોડ કરવામાં આવી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી.

ભારતીય રૂપિયો ડૉલર સામે વધુ પાંચ પૈસા નબળો પડ્યો

ભારતીય રૂપિયામાં ઘસારો યથાવત છે. ડૉલરમાં મજબૂતાઈ અને ફેડ દ્વારા આગામી મહિને વ્યાજદરમાં વધારો કરાશે એવી સંભાવનાએ રૂપિયો નબળો પડી રહ્યો છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૬.૧૮૫૦ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૭૬.૧૪ની બંધ સપાટી જોવા મળી હતી. દિવસ દરમિયાન રૂપિયો ૭૬.૧૮ પર ખુલ્યો હતો અને વધુ નબળો પડીને એક તબક્કે ૭૬.૨૭ સુધી પહોંચી ગયો હતો. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ જે વિશ્વની મુખ્ય છ કરન્સી સામેનો માપદંડ છે, જે બુધવારે વધીને ૧૦૦.૨૩ સુધી પહોંચ્યો હતો, જે આગલા દિવસે ૧૦૦.૧૪ હતો. ક્રૂડ તેલના ભાવ વધતાં અને અર્થતંત્રને લઈને નબળા અંદાજો આવતાં હોવાથી રૂપિયો નબળો પડ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાતાં ક્રૂડ તેલમાં તેજીની આગેકૂચ

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવાં થતાં ક્રૂડ તેલની માગ વધવાની ધારણા

ક્રૂડ તેલની માગ વધવાની અપેક્ષાએ ક્રૂડ તેલ વાયદામાં તેજી યથાવત્ રહી હતી. બુધવારે સાંજે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબ્લ્યુટીઆઇ) ક્રૂડ ૧.૮૭ ટકા વધીને પ્રતિ બેરલ ૧૦૨.૪૮ ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ ૨.૦૨ ટકા વધીને પ્રતિ બેરલ ૧૦૬.૭૫ ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે હીટિંગ ઑઇલ ૨.૧૧ ટકા વધીને પ્રતિ ગેલન ૩.૫૩૭ ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ એમસીએક્સમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો ૧.૭૪ ટકા વધીને પ્રતિ બેરલ ૭૭૭૭ રૂપિયા, મે વાયદો ૧.૮૧ ટકા વધીને ૭૭૬૫ રૂપિયા અને જૂન વાયદો ૧.૮૮ ટકા વધીને ૭૭૩૬ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
અમુક દેશો દ્વારા ક્રૂડ તેલ રિઝર્વ છૂટું કરવાની યોજના અને ચીનમાં કડક લૉકડાઉનને લીધે આ દેશની માગ ઘટવાના અંદાજે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ ચીનમાં અમુક પ્રાંતોમાં હવે લૉકડાઉન નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે એથી આગામી સમયમાં ક્રૂડ તેલની સપ્લાય સામે માગ પણ સારી રહેવાની અપેક્ષાએ ક્રૂડ તેલ વાયદામાં તેજી જોવા મળી રહી છે.
એનર્જી ઇન્ફર્મેશન ઍડ્મિનિસ્ટ્રેશન (ઈઆયએ)એ તેમના મન્થ્લી શૉર્ટ ટર્મ એનર્જી આઉટલુક રિપોર્ટમાં સરેરાશ વૈશ્વિક ઈંધણના વપરાશનો અંદાજ વર્ષ ૨૦૨૨ માટે ઘટાડીને દૈનિક ૯.૯૮ કરોડ બેરલ્સનો કર્યો છે. અગાઉ ઈઆયએનો અંદાજ દૈનિક ૧૦.૦૬ કરોડ બેરલ્સનો હતો.
જોકે વર્ષ ૨૦૨૩ માટેનો અંદાજ વધારીને દૈનિક ૧૦.૧૭ કરોડ બેરલ્સનો કર્યો છે, જ્યારે આ પહેલાંનો અંદાજ દૈનિક ૧૦.૨૬ કરોડ બેરલ્સનો હતો.
બીજી અમેરિકન પેટ્રોલિયન ઇન્સ્ટિટ્યૂટ (એપીઆઇ)ના આંકડા દર્શાવે છે કે અમેરિકામાં આઠ એપ્રિલે પૂરા થતા સપ્તાહમાં ક્રૂડ તેલની સપ્લાય ૭૮ લાખ બેરલ્સ વધી હતી, જ્યારે સાપ્તાહિક ધોરણે ગેસોલિનનો સ્ટૉક ૫૧ લાખ બેરલ્સ અને ડિસ્ટિલેટ્સનો સ્ટૉક ૫૦ લાખ બેરલ્સ ઘટ્યો હતો.

(8:20 pm IST)