Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

છુટક લીંબુના ભાવ આસામાને કયાંક કાળા બજારીયા પ્ણ ભારે સક્રિય: ઉત્તર પ્રદેશમાં લીંબુ ચોરીની ઘટનામાં વધારો

સોશિયલ મીડિયામાં લીંબુના ભાવ હોટ ટોપિક બન્યો છે

નવી દિલ્હી,14  : આમતો દર વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ થોડા વધારે હોય છે પરંતુ આ વર્ષે ભાવ આસમાને પહોંચતા ગરમીમાં લીંબુનું સેવન સામાન્ય માણસ માટે દોહલું બની ગયું છે. છુટક લીંબુના ભાવ ગુણવતા મુજબ 250 થી માંડીને 350 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. કયાંક કાળા બજારીયાઓ દ્વારા 400 રુપિયા પણ વસૂલવામાં આવે છે ત્યારે ઉત્તરપ્રદેશમાં લીંબુ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે.

 સોશિયલ મીડિયામાં લીંબુના ભાવ હોટ ટોપિક બન્યો છે. યુઝર્સ લીંબુના જોકસ,ટૂચકા અને કોમેડી વીડિયો શેર કરી રહયા છે. સરેરાશ એક લીંબુની કિંમત 10 રુપિયા આસપાસ થાય છે. લીંબુના ભાવ ઉનાળા દરમિયાન જળવાઇ રહેશે અને તાત્કાલિક ભાવમાં રાહત મળે તેવી કોઇ જ શકયતા નથી આથી લીંબુનું મોટા પાયે ઉત્પાદન કરતા ખેડૂતોએ લીંબુની વાડીઓમાં 24 કલાકનો પહેરો ગોઠવ્યો છે

એટલું જ નહી લીંબુના સપ્લાય દરમિયાન ગોડાઉનમાંથી લીંબુ ચોરી થવાની ઘટનાઓ પણ વધી રહી હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના કાનપુર વિસ્તારની લીંબુવાડીઓમાં લીંબુ ચોર સક્રિય થયા છે. બીઠુરમાં રહેતા એક ખેડૂત અભિષેક નિશાદે 3 દિવસમાં 15 હજાર રુપિયાના લીંબુ ચોરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત ચોબેપુર, કટની અને મઘના આસપાસ લીંબુના સેકંડો બગીચાઓ આવેલા છે.

આ બગીચા પહેલા રેઢા રહેતા પરંતુ હવે આખી રાત ખેડૂતોએ લાકડીઓ લઇને ચોકી પહેરો કરવો પડે છે. શાહજહાપુરમાં ગોદામનું તાળા તોડીને 60 કિલોગ્રામ વજનની બોરીઓની ચોરી કરવાની ઘટના બની હતી. ચોરાયેલા લીંબુની કિંમત 12000 આસપાસ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે લીંબુના ભાવમાં અચાનક થયેલા વધારાના કારણે જ ચોરી થવા લાગી છે. અગાઉ ટામેટા,લસણ અને ડુંગળીના ભાવ વધ્યા હતા ત્યારે તેની પણ ચોરી થતી હવે ચોરોને લીંબુ હાથમાં આવ્યા છે. 

(10:07 pm IST)