Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

T20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વિજય; ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું

ભારતના 179 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.2 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ : ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી : હર્ષલ પટેલે ચાર વિકેટ અને યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી

ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં પ્રથમ વિજય મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતે પાંચ મેચોની શ્રેણીમાં વાપસી કરી છે અને હવે સ્કોર 1-2 છે. નોંધનીય છે કે શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમને કોઇ પણ રીતે જીત મેળવવી જરૂર હતી.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.2 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટ્સમેનોમાં ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે યુઝવેન્દ્ર ચહલે ત્રણ સફળતા મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે સુકાની રિષભ પંતના નેતૃત્વમાં ભારતની આ પ્રથમ જીત છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી અને ઋતુરાજ ગાયકવાડ-ઈશાન કિશનની વિસ્ફોટક ઓપનિંગ ભાગીદારીના આધારે 179 રન બનાવ્યા. છેલ્લી બે મેચમાં ખરાબ પ્રદર્શન કરી રહેલા ટીમ ઈન્ડિયાના બોલરોએ અહીં પુનરાગમન કર્યું.

(12:00 am IST)