Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચીને કોવિડ વિઝા નીતિ બદલીઃ નોકરીયાત-વિદ્યાર્થીઓને અપાશે વિઝા

પર્યટન અને ખાનગી ઉદ્દેશ્‍યથી વિઝા સેવા હાલ બંધ જ રહેશે

નવી દિલ્‍હી, તા.૧૫: ચાઈનામાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર આવ્‍યા છે. ચીને કોવિડ ૧૯ મહામારીને ધ્‍યાનમાં રાખીને ૨ વર્ષ પહેલા લગાવામાં આવેલા કડક વિઝા પ્રતિબંધો હટાવી દીધા છે. આ નિર્ણય બાદ હવે ભારતમાં ફસાયેલા એ ભારતીયો અને તેમના પરિજનોને વિઝા જાહેર કરવામાં આવશે, જે ત્‍યાં જોબ કરતા હતા. આ ઉપરાંત ચીને સરકારી ચીની યુનિવર્સિટીઓમાં અભ્‍યાસ કરી રહેલા એ હજારો ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓનું પણ નિવારણ લાવી રહ્યા છે. જેમણે અભ્‍યાસ માટે પોતાની કોલેજ અને યુનિવર્સિટીઓમાં પાછા આવવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

રાજધાની નવી દિલ્‍હીમાં આવેલા ચીની દૂતાવાસે બે વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા કોવિડ ૧૯ વિઝા નીતિ બદલવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત તમામ ક્ષેત્રોમાં કામ ફરીથી શરૂ કરવા માટે ચીનમાં પાછા ફરવા માગતા વિદેશી નાગરિકો અને તેમના પરિજનો માટે અરજીઓ મગાવી છે. આ પગલા એ હજારો ભારતીયો અને તેમના પરિવારના લોકો માટે રાહતના સમાચાર છે, જે ૨૦૨૦થી સ્‍વદેશમાં ફસાયેલા છે. ગત મહિનામાં ચીનમાં રહેતા કેટલાય ભારતીય નોકરીકર્તાઓ વિદેશ મંત્રી એસ.જયશંકર પાસે ચીનમાં પાછા જવાની મંજૂરી માટે પ્રેશર કર્યું હતું.

ચીની દૂતાવાસે કહ્યું કે, ભારતીયો ઉપરાંત તે ચીની અને વિદેશી નાગરિકોના પરિવારના લોકો હવે પોતાના પરિજનો અને સંબંધીઓને મળવા માટે વિઝા અરજી કરી શકશે, જેમની પાસે ચીનમાં સ્‍થાયી પરમિટ મળેલી છે. ભારતીયો ઉપરાંત અલગ અલગ કંપનીઓના કામ માટે કોઈ ચીની કર્મચારી પણ બેઈઝીંગના વિઝા પ્રતિબંધો અને ફ્‌લાઈટ રદ થવાના કારણે ભારતમાં ફસાયેલા હતા. તેઓ પણ જઈ શકશે.

જો કે, ચીની દૂતાવાસે સ્‍પષ્ટ કર્યું છે કે, પર્યટન અને ખાનગી ઉદ્દેશ્‍યથી વિઝા સેવા હાલમાં પણ બંધ રહેશે. એપ્રિલમાં ભારતમાંથી લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત બાદ ચીને અમુક ભારતીય વિદ્યાર્થીઓને વાપસીની પરવાનગી આપી દીધી છે. તેમાં નવી દિલ્‍હી સ્‍થિત દૂતાવાસે પાછા આવનારા ભારતીયોનું વિવરણ એકઠુ કરવા માટે કહેવામાં આવ્‍યું છે. અલગ અલગ રિપોર્ટ અનુસાર જોઈએ તો, ડિસેમ્‍બર ૨૦૧૯૯માં ચીનમાં કોરોના મહામારીની શરૂઆત થતાં લગભગ ૨૩,૦૦૦ જેટલા ભારતીયો અહીં ભારતમાં ફસાઈ ગયા હતા. તેમાંથી મોટા ભાગના ચીની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્‍યાસ કરનારા વિદ્યાર્થીઓ હતા.

(2:48 pm IST)