Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રોબિન ઉથપ્પાએ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટથી નિવૃત્તી જાહેર કરી

પ્રથમ ટી 20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન

ભારતને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉથપ્પાએ 14 સપ્ટેમ્બર, બુધવારે એક નિવેદન જારી કરીને ભારતીય ક્રિકેટ ના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઉથપ્પાએ 2006માં ભારતીય ક્રિકેટ ટીમ માટે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

   ઉથપ્પાએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી અને લખ્યું, “મારા દેશ અને મારા રાજ્ય કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે. જો કે, દરેક સારી વસ્તુનો અંત આવે છે અને મારા હૃદયમાં કૃતજ્ઞતા સાથે, મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. .

ઉથપ્પાએ 2006માં ઈંગ્લેન્ડ સામે ઈન્દોરમાં વન-ડે શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ઓપનિંગમાં આવતા ઉથપ્પાએ જોરદાર બેટિંગ કરી અને 96 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો. તે સમયે, આ ભારત માટે વનડેમાં ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ હતો. ઉથપ્પાની આ ઇનિંગની મદદથી ભારતે તે મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું.

2004 ના અંડર-19 વર્લ્ડ કપમાં શિખર ધવન સાથે સૌથી સફળ ઓપનિંગ જોડી સાથે ચર્ચામાં આવેલા વિકેટકીપર બેટ્સમેન ઉથપ્પા તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ મળી ગઈ. ઉથપ્પાએ ભારત માટે 46 વનડેમાં 934 રન બનાવ્યા છે જ્યારે 13 ટી20 મેચમાં 249 રન બનાવ્યા છે. ઉથપ્પાએ છેલ્લે 2015 માં ODI અને T20 માં ભારત માટે બ્લુ જર્સી પહેરી હતી.

ઉથપ્પાની કારકિર્દીની સૌથી મોટી ક્ષણ 2007 નો T20 વર્લ્ડ કપ હતો. તે પ્રથમ વર્લ્ડ કપમાં, પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં, ઉથપ્પાએ ટીમ ઈન્ડિયાની ખૂબ જ ખરાબ શરૂઆત બાદ લડાયક ઇનિંગ્સ રમીને 39 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેના આધારે ભારતે 141 રન બનાવ્યા હતા. મેચ ટાઈ રહી હતી, ત્યારબાદ ટાઈ-બ્રેકર તરીકે ‘બોલ આઉટ’નો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતના ત્રણ ખેલાડીઓએ વિકેટ પર બોલને સફળતાપૂર્વક ફટકાર્યો હતો. તેમાંથી એક હતો ઉથપ્પા. યોગાનુયોગ, આ જીતની 15મી વર્ષગાંઠ પર ઉથપ્પાએ નિવૃત્તિ લીધી હતી.

(11:59 pm IST)