Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કેનેડા સ્‍વામિનારાયણ મંદિરમાં તોડફોડ : દિવાલો ઉપર ભારત વિરોધી નારા

કેટલાક અસામાજીક તત્‍વોનું શરમજનક કૃત્‍ય : હિંદુ સમુદાયમાં પ્રચંડ રોષ ભડકી ઉઠયો : ખાલિસ્‍તાની કટ્ટરપંથીઓનું પરાક્રમ હોવાની આશંકા : મંદિરમાં દિવાલો ઉપર ભારતના વિરોધમાં ખાલિસ્‍તાનના સમર્થનમાં નારા લખાયા : ભારતીય રાજદુતાવાસે વિરોધ નોંધાવ્‍યો : આરોપીઓ સામે કડક પગલા ભરવા માંગ

ટોરેન્‍ટો તા. ૧૫ : કેનેડામાં બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધ નારા લખવાનો મામલો સામે આવતા હિંદુ સમુદાયમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે અને દોષિતો સામે કડક પગલા લેવાની માંગ ઉઠી છે.

કેનેડામાં સ્‍વામિનારાયણ મંદિરની દિવાલ પર ભારત વિરોધી વાતો લખવાનો મામલો સામે આવ્‍યો છે. , એટલું જ નહીં પરંતુ મંદિરની દિવાલને પણ થોડું નુકસાન થયું છે. અરાજક તત્‍વો દ્વારા મંદિરની દિવાલ પર ભારત વિરોધી લાઇન લખવામાં આવી છે. ભારત સરકારે આ બાબતે સખત વાંધો ઉઠાવ્‍યો છે. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

વાસ્‍તવમાં, ઓટાવામાં ભારતીય હાઈ કમિશને તેના એક ટ્‍વિટમાં લખ્‍યું છે કે અમે ટોરોન્‍ટોમાં સ્‍વામી નારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની અને ભારત વિરોધી વસ્‍તુઓ લખવાની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કેનેડાના સત્તાવાળાઓને આ બાબતે વાકેફ કરવામાં આવ્‍યા છે. તેમજ આરોપીઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના મંગળવારે બની હતી. હાલમાં ભારતીય હાઈ કમિશને આ મામલો કેનેડાના સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્‍યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કોઈ વ્‍યક્‍તિ કે કોઈ સંસ્‍થા સાથે જોડાયેલા લોકોએ આ ઘટનાને અંજામ આપ્‍યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની દિવાલો પર ભારત વિરૂદ્ધ ખાલિસ્‍તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્‍યા હતા. આ મામલો સામે આવ્‍યા બાદ કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્‍વીટ કરીને લખ્‍યું કે ટોરોન્‍ટોના સ્‍વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટનાથી હું દુઃખી છું. અમે બહુસાંસ્‍કૃતિક અને બહુધાર્મિક દેશમાં રહીએ છીએ જયાં દરેક વ્‍યક્‍તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.

બ્રેમ્‍પટનના મેયર પેટ્રિક બ્રાઉને તેમની નિરાશા વ્‍યક્‍ત કરી અને લખ્‍યું કે આ પ્રકારની નફરતને કોઈ સ્‍થાન નથી. આશા છે કે જવાબદાર ગુનેગારોને વહેલી તકે           પકડી ન્‍યાય વ્‍યવસ્‍થા હેઠળ લાવવામાં આવશે.

આ સમગ્ર મામલે ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે કેનેડાના ખાલિસ્‍તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્‍ટોમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિરની અપવિત્રની ઘટનાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્‍યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે.

(11:26 am IST)