Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગોવામાં પક્ષ પલટો કરનાર તમામ ધારાસભ્‍યોએ મંદિર, ચર્ચ અને દરગાહની મુલાકાત લઈને શપથ લીધા હતા કે તેઓ ભાજપમાં જોડાશે નહીં !

૨૦૧૯માં પણ કોંગ્રેસના ૧૫માંથી ૧૦ ધારાસભ્‍યો ભાજપમાં જોડાયા હતાઃ ભાજપ હવે દિનદહાડે લોકશાહીનું ખૂન કરી રહી છે

પણજી, તા.૧૫: ગોવામાં કોંગ્રેસના ૧૧ માંથી ૮ ધારાસભ્‍યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ગયા છે જેમાં.  રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી દિગંબર કામતનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે રાજ્‍યમાં બાકી રહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્‍યોએ કહ્યું છે કે તેઓ કોઈપણ પરિસ્‍થિતિમાં પાર્ટી સાથે જ રહેશે. આ ત્રણ ધારાસભ્‍યો છે - યુરી અલેમાઓ, એલ્‍ટન ડીઁકોસ્‍ટા અને કાર્લોસ લ્‍વારેસ ફેરેરા.

ત્રણેયએ પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ અમિત પાટકરની હાજરીમાં ગોવામાં પ્રેસ કોન્‍ફરન્‍સ કરી અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર ધારાસભ્‍યો પર નિર્ભર નથી.

ધારાસભ્‍ય અલેમાઓએ કહ્યું, ‘જો તમામ ધારાસભ્‍યો છોડી દેશે તો પણ કોંગ્રેસ ગોવામાં જ રહેશે. અમે વચન આપીએ છીએ કે અમે કયારેય પાર્ટી નહીં છોડીએ અને હંમેશા કોંગ્રેસને મજબૂત કરવાનું કાર્ય ચાલુ રાખીશું. અમે કોઈ એવી વસ્‍તુ નથી કે જેને કોઈ ખરીદી શકે.'

 તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણી પહેલા કોંગ્રેસના તમામ ઉમેદવારોએ શપથ લીધા હતા કે તેઓ પાર્ટી નહીં છોડે.  અલેમાઓએ કહ્યું કે તેમને સમજાતું નથી કે ભગવાનના સોગંદ ખાધા પછી ધારાસભ્‍યો કેવી રીતે ફરી શકે છે.

વર્ષ ૨૦૧૯માં પણ કોંગ્રેસના ૧૫માંથી ૧૦ ધારાસભ્‍યો ભાજપમાં જોડાયા હતા.

 પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત પાટકરે કહ્યું છે કે પહેલા તો. ભાજપ મધરાતે લોકશાહીનું ખૂન કરતી હતી, હવે તે ખુલ્લેઆમ દિવસે પણ તે જ કામ કરી રહી છે.

 કોંગ્રેસના ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવે ટ્‍વીટ કર્યું છે કે ભાજપમાં જોડાનાર કોંગ્રેસના ધારાસભ્‍યો દેશદ્રોહી છે.

તેમનો દાવો છે કે તમામ ધારાસભ્‍યોએ મંદિર, ચર્ચ અને દરગાહની મુલાકાત લઈને શપથ લીધા હતા કે તેઓ ભાજપમાં જોડાશે નહીં.

(4:12 pm IST)