Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

યુક્રેન વચ્ચે રશિયાથી ભારતની આયાતમાં 384 ટકાનો વધારો

એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન રશિયામાંથી ભારતની આયાત લગભગ 5 ગણી વધીને $37.31 બિલિયન સુધી પહોંચી

નવી દિલ્હી :રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે છતા હજુ સુધી યુદ્ધનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી ત્યારે બીજી તરફ વિશ્વની મહાસત્તા અમેરિકા અને યુરોપીયન દેશોના ખટરાગ વચ્ચે પણ ભારતે રશિયા સાથે વેપાર યથાવત રાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ (FY22-23)ના છેલ્લા 10 મહિનામાં રશિયા ભારતનો ચોથો સૌથી મોટો આયાત કરનાર દેશ બની ગયો છે જેના પગલે રશિયામાંથી ભારતની આયાતમાં 384 ટકાનો વધારો થયો છે પરિણામે ભારતના રશિયા સાથે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બન્યા છે.

  વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર રશિયાથી ભારતની આયાતમાં 384 ટકાનો વધારો થયો છે. આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન, રશિયામાંથી ભારતની આયાત લગભગ 5 ગણી વધીને $37.31 બિલિયન સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2021-22માં રશિયા ભારતનું 18મું સૌથી મોટું આયાત ભાગીદાર રહ્યું છે. આ દરમિયાન ભારતે રશિયાથી $9.86 બિલિયનની આયાત કરી હતી.

   વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ તેલ રશિયાથી આયાત કરવામાં આવે છે. વર્તમાન નાણાકીય વર્ષના 10 મહિનાના સમયગાળા દરમિયાન રશિયા ભારતનો ચોથો સૌથી મોટો આયાત સ્ત્રોત બની ગયો છે. જાન્યુઆરીમાં ભારતની રશિયન ક્રૂડ ઓઈલની માંગ મોટા પ્રમાણમાં વધી છે.

(1:09 am IST)