Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ચક દે ઇન્‍ડિયા : ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્‍ડિયા નંબર ૧

ઓસ્‍ટ્રેલીયા બીજા ક્રમે : ત્રીજા ક્રમે ઇંગ્‍લેન્‍ડ અને ચોથા ક્રમે ન્‍યુઝીલેન્‍ડ : પાકિસ્‍તાન સાતમા ક્રમે

નવી દિલ્‍હી, તા.૧૫: ટીમ ઈન્‍ડિયા ટેસ્‍ટની નંબર-૧ ટીમ બની ગઈ છે. તેને ૧૧૫ રેટિંગ પોઈન્‍ટ્‍સ મળ્‍યા છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતે પ્રથમ ટેસ્‍ટ (IND vs AUS) માં ઓસ્‍ટ્રેલિયાને ઇનિંગ્‍સથી હરાવ્‍યું. આ રીતે ભારતીય ટીમે ત્રણેય ફોર્મેટમાં નંબર-૧ની ખુરશી હાંસલ કરી છે. ૨૦૨૩ની વાત કરીએ તો ભારત અત્‍યાર સુધી એક પણ સિરીઝ હારી નથી. પ્રથમ શ્રીલંકા સામે વનડે અને ટી૨૦ શ્રેણી જીતી હતી. ત્‍યારપછી બંને સિરીઝમાં ન્‍યુઝીલેન્‍ડનો પણ પરાજય થયો હતો. ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે બીજી ટેસ્‍ટ ૧૯ ફેબ્રુઆરીથી દિલ્‍હીમાં રમાવાની છે. ભારતીય ટીમ પહેલાથી જ ODI અને વ્‍૨૦ રેન્‍કિંગમાં ટોપ પર છે.

ટીમ ઈન્‍ડિયાની વાત કરીએ તો હવે વ્‍૨૦ ટીમનો કેપ્‍ટન હાર્દિક પંડ્‍યા પાસે છે જ્‍યારે ODI અને ટેસ્‍ટ ટીમની કમાન રોહિત શર્મા પાસે છે. આઈસીસીએ બુધવારે રેન્‍કિંગ જાહેર કર્યું. ઓસ્‍ટ્રેલિયાની ટીમ ૧૧૧ રેટિંગ પોઈન્‍ટ સાથે પહેલાથી બીજા સ્‍થાને પહોંચી ગઈ છે. તાજેતરમાં તેણે દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે હરાવ્‍યું હતું. ઈંગ્‍લેન્‍ડ ૧૦૬ પોઈન્‍ટ સાથે ત્રીજા, ન્‍યુઝીલેન્‍ડ ૧૦૦ પોઈન્‍ટ સાથે ચોથા સ્‍થાને છે જ્‍યારે દક્ષિણ આફ્રિકા ૮૫ રેટિંગ પોઈન્‍ટ સાથે ૫માં નંબર પર છે.

ICC રેન્‍કિંગમાં અન્‍ય ટીમોની વાત કરીએ તો વેસ્‍ટ ઈન્‍ડિઝની ટીમ ૭૯ પોઈન્‍ટ સાથે છઠ્ઠા, પાકિસ્‍તાનની ટીમ ૭૭ પોઈન્‍ટ સાથે ૭મા, શ્રીલંકા ૭૬ પોઈન્‍ટ સાથે ૮મા, બાંગ્‍લાદેશ ૪૬ પોઈન્‍ટ સાથે ૯મા અને ઝિમ્‍બાબ્‍વે ૨૫ પોઈન્‍ટ સાથે ૧૦મા ક્રમે છે. ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે રમાઈ રહેલી ટેસ્‍ટ શ્રેણી પણ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપનો એક ભાગ છે. ટેબલમાં ઓસ્‍ટ્રેલિયા પ્રથમ સ્‍થાને છે જ્‍યારે ભારતીય ટીમ બીજા નંબરે છે.

એક જ સમયે ત્રણેય ફોર્મેટમાં ટોચ પર પહોંચનારી ભારત એશિયાની પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્‍ટ્રેલિયન ટીમ પણ આવું કરવામાં સફળ રહી છે. જો ભારતીય ટીમ ઓસ્‍ટ્રેલિયા સામેની શ્રેણીની ૪માંથી ૩ મેચ જીતી લે છે, તો તે વિશ્વ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ માટે સીધી ક્‍વોલિફાય થઈ જશે.

(12:00 am IST)