Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

લોન ન ચૂકવી શકતા માએ દીકરી વેચી

હાઈકોર્ટે ઉઠાવ્‍યો વાંધોઃ આ નૈતિકતા અને માનવ અધિકારોના સિદ્ધાંતની વિરૂદ્ધ છે

મુંબઇ,તા. ૧૬: બોમ્‍બે હાઈકોર્ટે છોકરીઓનો વસ્‍તુઓની જેમ ઉપયોગ કરવાને લઈને વાંધો ઊઠાવ્‍યો છે. હાઈકોર્ટે કહ્યું કે ૨૧મી સદીમાં પણ છોકરીઓને વસ્‍તુની જેમ વાપરવામાં આવી રહી છે અને તેમને લાભનું માધ્‍યમ બનાવવામાં આવે છે. બોમ્‍બે હાઈકોર્ટે આ ટિપ્‍પણી એક મહિલાને એક વર્ષની બાળકીને ખરીદવા મામલે જામીન આપતી વખતે કરી.

જસ્‍ટિસ એસએમ મોદકની એકલ પીઠે આઠ ફેબ્રુઆરીના પોતાના આદેશમાં કહ્યું કે આ નૈતિકતા અને માનવ અધિકારોના સિદ્ધાંતની વિરુદ્ધ છે કે એક માએ નાણાંકીય લાભ માટે પોતાની એક વર્ષની બાળકી વેચી દીધી. જણાવવાનું કે આ મામલે બાળકીને ખરીદનારી મહિલા અશ્વિની બાબર (૪૫)ને ગયા વર્ષે મહારાષ્ટ્રની સતારા પોલીસે ધરપકડ કરી હતી, જેને ન્‍યાયાલયે જામીન આપી.

હાઈકોર્ટે આરોપી મહિલાને ૨૫૦૦૦ના દંડ પર જામીન આપ્‍યા. કોર્ટે કહ્યું કે મહિલાને જેલમાં રાખવાની કોઈ જરૂર નથી. કોર્ટે કહ્યું કે આરોપી મહિલાને પોતાને બે સગીર બાળકો છે, જેની દેખરેખની જરૂર છે.

જણાવવાનું કે આરોપી મહિલાથી પીડિતે લોન લીધી હતી, જેનું એડવાન્‍સ ચૂકવવામાં મોડું થતાં તેણે એક વર્ષની બાળકીને અશ્વિની બાબરના હાથે વેચવી પડી. પછીથી, જયારે પીડિત મહિલાએ લોન ચૂકવી દીધી, તો આરોપી મહિલાએ બાળકી પાછી આપવાની ના પાડી દીધી. ત્‍યાર બાદ, પીડિત મહિલાએ પોલીસમાં આની ફરિયાદ કરી, પછી બાળકીને પોતાની મા પાછી મળી ગઈ.

કોર્ટે કહ્યું કે આ ખૂબ જ વાંધાજનક છે કે આજના સમયમાં પણ એક નાનકડી બાળકીને તેની પોતાની મા વેચી દે છે. કોર્ટે કહ્યું કે આ નૈતિકતા અને માનવ અધિકારોના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

(11:00 am IST)