Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

શરીરના અણગમતા વાળને દૂર કરવા ચોખાનો લોટ, મધ, ચણાનો લોટ, પપૈયુ, લીંબુ જેવા ઘરગથ્‍થુ ઉપચાર કરી શકાય

રસોડામાં રહેલી કેટલી વસ્‍તુઓની પેસ્‍ટ કે મસાજ દ્વારા પણ વાળ દૂર કરી શકાય

નવી દિલ્‍હીઃ ચહેરાના અણગમતા વાળ ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. આ સમસ્યા દરેક યુવતીને નડે છે. તેને દુર કરવા માટે નિયમિત વેક્સ કરવું પડે છે અથવા તો પાર્લર જવું પડે છે. પરંતુ તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અપનાવીને પણ ચહેરાના વાળથી કાયમી મુક્તિ મેળવી શકો છો. ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમે ચહેરાના અણગમતા વાળ સરળતાથી દૂર કરી શકો છો.

ચોખાનો લોટ તમારા ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે ચોખાના લોટમાં દહીં મિક્સ કરો અને હવે આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો. ત્યારપછી ચહેરો સાફ કરો. તેનો ઉપયોગ નિયમિત કરવાથી વાળ દુર થવા લાગે છે.

મધ તમને ચહેરાના અણગમતા વાળથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તેના માટે ચહેરા પર મધ અને લીંબુનું મિશ્રણ ચહેરા પર 30 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ અને હળદર પણ ત્વચાના વાળને દુર કરવાનું કામ કરે છે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી હળવા હાથે તેને રગળી અને કાઢો.

પપૈયું તમને ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે પપૈયાની પેસ્ટ બનાવો અને તેમાં 3 ચપટી હળદર ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હાથ ભીના કરી આ પેસ્ટને મસાજ કરતાં કરતાં કાઢો.

ચહેરાના અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ છે. તેના માટે એક ચમચી ખાંડમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આ ત્રણેયને સારી રીતે મિક્સ તેમાં થોડું પાણી ઉમેરી તેને ગરમ કરી ચાસણી બનાવી લો.  તે ઠંડી થઈ જાય એટલે તેને ચહેરા પર લગાવો અને પછી વાળની ઊંધી દિશામાં હાથથી તેને રગળી અને કાઢો.

(6:00 pm IST)