Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ખાવાના મીષ્‍ટાનમાં ખાંડની જગ્‍યાએ સાકર, સ્‍ટીવિયા, મધ, ગોળ, કોકોનટ સુગર તથા ખજુરનો ઉપયોગ કરી શકાય

વધુ પડતી ખાંડના ઉપયોગથી ડાયાબિટીસ, સ્‍થુળતા, હાઇ કોલેસ્‍ટ્રોલ તથા હાર્ટ એટેકની સમસ્‍યા સર્જાઇ શકે

નવી દિલ્‍હીઃ એવા લોકો ઓછા હશે જેને મીઠાઈ ભાવતી ન હોય. આપણે ત્યાં મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ જેવી વસ્તુઓ ભરપુર પ્રમાણમાં ખવાતી હોય છે. આ બધી જ વસ્તુઓમાં મીઠાશ માટે ખાંડનો ઉપયોગ થાય છે. જો કે માત્ર મીઠાઈમાં જ નહીં આપણા રોજના ભોજનમાં પણ ગળાશ માટે ખાંડનો ઉપયોગ થાય છે. પરંતુ વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી શક્ય હોય તેટલું ખાંડથી દુર જ રહેવું. પરંતુ જો તમે મીઠી વસ્તુઓ ખાવાનું છોડી શક્તા નથી તો તમે ખાંડને બદલે ગળાશ માટે અન્ય કેટલીક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડશે નહીં અને શરીરને ફાયદો પણ થશે.

સાકરનો રંગ ખાંડ જેવો જ હોય ​​છે, પરંતુ તે ખાંડનો હેલ્ધી વિકલ્પ છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે સાકર ખરીદતી વખતે પણ ધ્યાન રાખવું કારણ કે ઘણી દુકાનોએ ખાંડ પણ સાકરની જેમ મોટા કટકામાં મળતી હોય છે.

સ્ટીવિયાને ઝીરો કેલરીવાળું કુદરતી સ્વીટનર છે. તે સ્ટીવિયાના છોડના પાંદડામાંથી કાઢવામાં આવે છે. તેને મીઠી તુલસી પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે. તે ખાંડ કરતાં 25 ગણી મીઠી હોઈ શકે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

મધનો સ્વાદ ભલે મીઠો હોય છે, પરંતુ તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે કરી શકાય છે, તે સરળતાથી પચી જાય છે અને તેનાથી સુગર લેવલ વધતું નથી. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તે હાર્ટ માટે ફાયદાકારક છે અને તે ચરબી બાળવામાં પણ મદદ કરે છે.

ગોળને ખૂબ જ હેલ્ધી મીઠી વસ્તુ છે. તેનો ઉપયોગ પાવડર અને ગઠ્ઠાના રૂપમાં થાય છે. તેમાં પોષક તત્વો ભરપુર હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કુદરતી રીત રક્ત શુદ્ધ કરે છે. તે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને કબજિયાત પણ મટાડે છે. 

કોકોનટ સુગર કોકોનટ પામ ટ્રી દ્વારા મેળવવામાં આવે છે, અને તેનું વધારે રિફાઈનિંગ થતું નથી તેથી તે પેટમાં સરળતાથી પચી જાય છે. તેમાં આયરન, કેલ્શિયમ જેવા મિનરલ્સ મળી આવે છે. આ સાથે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ વધતું નથી.

ખજૂર એક ખૂબ જ મીઠું ફળ છે અને તેમાંથી પણ ખાંડ તૈયાર કરવામાં આવે છે જેને ડેટ સુગર કહે છે તે ખૂબ જ હેલ્ધી હોય છે અને ઘરે પણ બનાવી શકાય છે. તે પાચનમાં મદદ કરે છે અને તેનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

(6:02 pm IST)