Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 81 ટકાથી વધુ મતદાન નોંધાયું: 2 માર્ચે પરિણામ થશે જાહેર

હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં CPI(M)ના એક નેતા અને ડાબેરી પક્ષના બે પોલિંગ એજન્ટ સહિત ત્રણ લોકો ઘાયલ: 45 જગ્યાએ ઈવીએમમાં ખામી નોંધાઈ

ત્રિપુરા વિધાનસભા માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન જોવા મળ્યું છે . જેમાં પ્રારંભિક માહિતી મુજબ 81 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જો કે મત ગણતરી 2 માર્ચે થશે. આ મતદાન દરમિયાન હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં CPI(M)ના એક નેતા અને ડાબેરી પક્ષના બે પોલિંગ એજન્ટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જ્યારે 45 જગ્યાએ ઈવીએમમાં ખામી નોંધાઈ છે. વિપક્ષના નેતા માણિક સરકારે આરોપ લગાવ્યો કે ભાજપના સહયોગી લોકોએ મતદાનમાં મુશ્કેલી ઉભી કરી કરી હતી. જ્યારે ટીપ્રા મોથાના વડા પ્રદ્યોત દેવબર્માએ પણ શાસક પક્ષ પર આક્ષેપ કર્યો હતો

ભાજપ-આઈપીએફટી, સીપીઆઈ(એમ)-કોંગ્રેસ ગઠબંધન અને નવા પક્ષ ટીપ્રા મોથા વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો. ત્રિપુરામાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડી હતી. સીપીઆઈ(એમ) 47 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે તેના સહયોગી કોંગ્રેસે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં ભૂતપૂર્વ શાહી પરિવારના વંશજ પ્રદ્યોત દેબબર્માની આગેવાની હેઠળ ટીપ્રા મોથાએ  42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા . તૃણમૂલ કોંગ્રેસે 28 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

 

પૂર્વોત્તરનું રાજકારણ ઉત્તર અને દક્ષિણ ભારતથી એકદમ અલગ છે. ત્રિપુરામાં સૌથી વધુ આદિવાસી સમુદાયના વોટ છે. વધુ વોટ હોવાથી ત્રિપુરામાં રાજનીતિ પણ આદિવાસી સમુદાયની આસપાસ થયા કરે છે. રાજ્યની સીમા બાંગ્લાદેશને અડીને આવેલી છે અને 65 ટકા બાંગ્લાભાષી લોકો વસે છે. ત્રિપુરામાં આશરે 32 ટકા આદિવાસી સમુદાય વસે છે. રાજ્યમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા 8 ટકા આસપાસ છે.

રાજ્યમાં સાંપ્રદાયિકતા ક્યારેય મુદ્દો રહ્યો નથી પણ,  2021માં બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલોમાં થયેલી હિંસાની આગ ત્રિપુરા સુધી પહોંચી હતી. રાજ્યમાં રહેલી 60 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે. 2018માં ભાજપ-IPFT તમામ 20 આદિવાસી રિઝર્વ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા

(7:42 pm IST)