Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ક્રિકેટર પૃથ્વી શો સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે હોબાળો :મહિલા ફેન્સે લગાવ્યો મારપીટનો આરોપ

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં જમવા ગયો ત્યારે તેના મિત્ર પર કેટલાક લોકોએ બેસબોલના ડંડાથી પૃથ્વી શોના મિત્રની કારનો કાચ તોડી નાખ્યો : આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પૃથ્વી શોને લઇને એક ગંભીર ઘટના સામે આવી છે. એક મહિલા ફેન્સે પૃથ્વી શો પર મારપીટનો આરોપ લગાવ્યો છે. આ ઘટના મુંબઇ સાંતાક્રૂઝમાં એક ફાઇવ સ્ટાર હોટલની સામે બની છે. જ્યારે પૃથ્વી શો તરફથી કહેવામાં આવ્યુ કે તેની પર અને તેના મિત્ર પર કેટલાક લોકોએ બેસબોલના ડંડાથી હુમલો કર્યો છે. જ્યારે એક વીડિયોમાં પૃથ્વી શો ડંડો લઇને ઉભેલો જોવા મળે છે અને યુવતી સાથે ઝઘડી રહ્યો છે.

પૃથ્વી શોના મિત્ર આશીષ સુરેન્દ્ર યાદવ દ્વારા દાખલ ફરિયાદ અનુસાર બેસબોલના ડંડાથી હુમલો કરવામાં આવ્યો છે, પછી આરોપીઓએ કારનો પીછો કર્યો હતો અને પૈસા ના આપવા પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. સુરેન્દ્રએ 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ 8 લોકોમાં સના ઉર્ફ સપના ગિલ અને શોભિત ઠાકુર નામના બે લોકોની ઓળખ ખુદ હોટલ મેનેજરે કરી છે અને પોલીસને જણાવ્યુ છે. આ ઘટનામાં સપનાના વકીલ કાશિફ ખાને પૃથ્વી શો પર મારપીટનો આરોપ લગાવ્યો છે.

વકીલે કહ્યુ, સપના સાથે પૃથ્વી શોએ મારપીટ કરી છે. પૃથ્વી શોના હાથમાં ડંડો પણ જોવા મળે છે. પૃથ્વી શોના મિત્રોએ પહેલા હુમલો કર્યો હતો. સપના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં છે. પોલીસે તેને મેડિકલ માટે જવાની પરવાનગી આપી નથી. મહત્વપૂર્ણ છે કે પૃથ્વી શોનો એક અન્ય વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેના હાથમાં ડંડો જોવા મળે છે. સપના ગિલ આ દરમિયાન પૃથ્વી શોના હાથમાં દેખાઇ રહેલા ડંડાને પકડેલી જોવા મળે છે.

આ ઘટના બુધવારની છે. જ્યારે પૃથ્વી શો પોતાના મિત્રો સાથે એક ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર કરવા ગયો હતો. આ દરમિયાન વિવાદ ઉભો થયો હતો. ફરિયાદ અનુસાર, ડિનર દરમિયાન અજાણ્યા આરોપી પૃથ્વી શો પાસે આવ્યો હતો અને સેલ્ફીની માંગ કરવા લાગ્યો હતો. પૃથ્વી શોએ બે લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી પરંતુ તે ગ્રુપ પરત ફર્યુ હતુ. આ ગ્રુપ ફરી આવ્યુ હતુ અને અન્ય આરોપીઓ સાથે સેલ્ફી લેવા કહ્યુ હતુ.

પૃથ્વી શોએ એમ કહેતા ઇનકાર કર્યો કે તે મિત્રો સાથે ડિનર કરવા આવ્યો છે અને પરેશાન કરવા માંગતો નથી. ફરિયાદ અનુસાર જ્યારે તેમણે ભાર આપ્યો તો પૃથ્વી શોના મિત્રએ હોટલના મેનેજરને ફોન કર્યો હતો અને ફરિયાદ કરી હતી. મેનેજરે તે લોકોને હોટલની બહાર જવા કહ્યુ હતુ. તે બાદ આ લોકો પૃથ્વી શોની હોટલની બહાર રાહ જોઇ રહ્યા હતા.

પૃથ્વી શોના હોટલની બહાર આવતા જ આ લોકોએ બેસબોલના ડંડાથી પૃથ્વી શોના મિત્રની કારનો કાચ તોડી નાખ્યો હતો, તે દરમિયાન પૃથ્વી શો કારમાં જ હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યુ કે પૃથ્વી શો કારમાં હતો અને અમે કોઇ વિવાદ ઉભો કરવા માંગતા નહતા, માટે અમે પૃથ્વી શોને બીજી કારમાં મોકલી દીધો હતો. પૃથ્વી શોના મિત્રની કારને જોગેશ્વરીના લોટસ પેટ્રોલ પંપ પાસે રોકવામાં આવી હતી. જ્યા એક મહિલાએ આવીને કહ્યુ કે જો તે આ ઘટનાને હલ કરવા માંગે છે તો તેને 50 હજાર રૂપિયા આપવા પડશે નહી તો ખોટો આરોપ લગાવશે.

(10:27 pm IST)