Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

BBCની દિલ્હી અને મુંબઇમાં આવેલી ઓફિસ પર ઇન્કમટેક્સની સર્ચ ત્રીજા દિવસે પણ યથાવત

કંપનીએ કહ્યુ કે તે તપાસમાં પુરી રીતે સહયોગ કરી રહ્યા છે,રેડ સતત ચાલુ છે અને કંપનીએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી

નવી દિલ્હી : BBCની દિલ્હી અને મુંબઇમાં આવેલી ઓફિસ પર 14 ફેબ્રુઆરીએ શરૂ થયેલી ઇન્કમટેક્સની રેડ ત્રીજા દિવસે પણ ચાલુ છે. આ રેડને લઇને બીબીસી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ કે તે આ તપાસમાં સહયોગ કરી રહ્યા છે અને આશા છે કે આ સ્થિતિને જલ્દી હલ કરવામાં આવશે. દિલ્હીમાં કેજી માર્ગ પર આવેલી બીબીસીની ઓફિસ બહાર ITBPના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હિન્દૂ સેનાના પ્રદર્શન પછી બીબીસી ઓફિસ બહાર સુરક્ષા વધારવામાં આવી છે.

 કંપનીએ આગામી નોટિસ સુધી પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવા માટે કહ્યુ છે. બીબીસીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમેન્ટરી બનાવી હતી, જેને લઇને વિવાદ થયો હતો. સૂત્રો અનુસાર IT અધિકારીઓએ BBC સાથે એક દસ્તાવેજ શેર કર્યો છે જેમાં ઇન્કમટેક્સ વિભાગને ત્રણ દિવસ સુધી સર્ચિંગ કરવાની પરવાનગી છે.

 

બીબીસીની રેડ પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ટ્વીટ કરીને લખ્યુ, “તમારી પર તરસ આવવા લાગ્યુ છે PM મોદી, કારણ કે BBCની ઓફિસમાં ઇન્કમટેક્સ ટીમ મોકલીને તમે આ સાબિત કરી દીધુ કે તમે ગભરાયેલા, ડરેલા તાનાશાહથી વધારે કઇ નથી.” કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યવાહીને અઘોષિત ઇમરજન્સી ગણાવી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે મીડિયા લોકતંત્રનો ચોથો સ્થંભ છે, મીડિયાની સ્વતંત્રતા પર હુમલો જનતાનો અવાજ દબાવવાની બરાબર છે. જે પણ ભાજપ વિરૂદ્ધ બોલે છે તેની પાછળ આ લોકો IT,CBI અને EDને છોડી દે છે. શું ભાજપ દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને સંસ્થાઓને કચડીને આખા દેશને પોતાનું ગુલામ બનાવવા માંગે છે?

આ રેડને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે આ ભાજપના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકારનું રાજકીય પ્રતિશોધ છે. મમતા બેનરજીએ કહ્યુ કે આ ઘણુ દૂર્ભાગ્યપૂર્ણ છે. આ ભાજપ સરકારની રાજકીય બદલાની કાર્યવાહી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે ભાજપ મીડિયાને નિયંત્રિત કરી રહી છે. આ રીતની કાર્યવાહી પ્રેસની સ્વતંત્રતાને પ્રભાવિત કરે છે. મમતા બેનરજીએ કહ્યુ કે એક દિવસ દેશમાં મીડિયા નહી રહે. તે (ભાજપના નેતા) લોકોના જનાદેશની પરવાહ નથી કરતા, તેમનો એકમાત્ર જનાદેશ તાનાશાહી છે. તે હિટલર કરતા પણ આગળ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે આ કાર્યવાહીને કેન્દ્ર સરકાર સાથે કેમ જોડવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ એક સ્વતંત્ર એજન્સી છે, તેને કોઇ પણ સંસ્થાની કાર્યપ્રણાલીને તપાસવાનો અધિકાર છે. આ માત્ર બીબીસી જ નહી અન્ય સંસ્થાઓની પણ તપાસ કરવામાં આવે છે. ખુદ બીબીસીએ કહ્યુ કે તે સહયોગ કરી રહ્યુ છે, તેમણે કોઇ આપત્તિ નથી, માટે તેને રાજનીતિ સાથે ના જોડવામાં આવે.

BBC પર ઇન્કમટેક્સની રેડના એક દિવસ પછી કંપનીએ આ મામલે એક નિવેદન શેર કર્યુ છે. આ નિવેદનમાં જાણકારી આપવામાં આવી છે કે બીબીસીની દિલ્હી અને મુંબઇ સ્થિત ઓફિસમાં રેડ પડી છે. કંપનીએ કહ્યુ કે તે તપાસમાં પુરી રીતે સહયોગ કરી રહ્યા ચે. રેડ સતત ચાલુ છે અને તેને ધ્યાનમાં રાખતા કંપનીએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે.

(10:36 pm IST)