Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું મૃત્યુ

મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર ઊંડી ખીણમાં પડી ગયો :નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત; જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા

કેનેડા સ્‍થિત નાયગ્રા ફૉલ્‍સ સ્‍ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જતાં એક ગુજરાતી મહિલાનું અવસાન થયું છે. વર્ષોથી અમેરિકામાં રહેતા જીત ભટ્ટ તેમના પત્‍ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષના પુત્ર રુદ્રાન્‍શ સાથે નાયગ્રા ફૉલ્‍સ ફરવા ગયાં હતાં. આ પ્રવાસ દરમિયાન મહિલાનો એક પગ લપસતા આખો પરિવાર આ ઊંડી ખીણમાં પડી ગયો હતો અને નેહા ભટ્ટનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું.

આ અકસ્‍માત ૧૩ ફેબ્રુઆરીના રોજ થયો હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ જીત ભટ્ટ અને તેમના પાંચ વર્ષના દીકરાને બચાવી લેવાયા હતા, પરંતુ બંનેને ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે તેમને નજીકની હૉસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. નાયગ્રા રિજન પાર્ક્‍સના પ્રવક્‍તા એન્‍જેલા પી. બર્ટીએ સ્‍થાનિક મીડિયાને જણાવ્‍યા અનુસાર સત્તાવાળાઓએ ગુજરાતી મહિલાનો મળતદેહ મેળવી લીધો છે. સ્‍ટેટ પાર્ક પોલીસ કેપ્‍ટન ક્રિસ રોલાએ મીડિયાને જણાવ્‍યું હતું કે, દુર્ભાગ્‍યવશ, મહિલાનો જીવ બચાવી શકાયો નથી. પોલીસે હેલિકોપ્‍ટરની મદદથી મહિલાના મળતદેહને કૉરનર ઑફિસ સુધી પહોંચાડ્‍યો હતો. 

મહિલા ખીણમાં પડી તે પહેલાં તેના પતિ અને દીકરા સાથે હતી. પોલીસ હજુ સુધી જાણતી નથી કે આ ઘટના કઈ રીતે બની. પોલીસે પાર્કમાં રહેલા અન્‍ય સાક્ષીઓની પૂછપરછ કરી હતી. આ ખૂબ જ બર્ફીલો પ્રદેશ છે. બચાવ કાર્ય માટે તે ખરેખર અઘરો પ્રદેશ છે, પરંતુ અમારી ટીમ તમામ પરિસ્‍થિતિઓનો સામનો કરીને તેમની પાસે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી.

(12:30 am IST)