Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

હિંમત બિસ્‍વા સરકારે બે વર્ષમાં જાહેરાતો પર ૧૩૦.૫૯ કરોડ ખર્ચ કર્યા

પાછલા મુખ્‍યમંત્રીઓના રેકોર્ડ તોડયા : સર્બાનંદ સોનોવાલની સરકારે ૫ વર્ષના કાર્યકાળમાં ૧૨૫.૬ કરોડ રૂપિયા ખર્ચ્‍યા

ગુવાહાટી તા. ૧૬ : અસમમાં હિમંત બિસ્‍વા સરમાની સરકારે છેલ્લાં બે વર્ષમાં જાહેરાતો પર ૧૩૦.૫૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પાછલી સરકારની તુલના કરીએ તો સર્બાનંદ સોનોવાલની સરકારે પોતાના પૂરા ૫ વર્ષના કાર્યકાળમાં ૧૨૫.૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. અસમ સરકારની તરફથી વિધાનસભામાં આ માહિતી આપી.

નિર્દલીય ધારાસભ્‍ય અખિલ ગોગોઈના પ્રશ્નના જવાબમાં માહિતી અને જનસંપર્ક મંત્રી પીયૂષ હજારિકાએ જણાવ્‍યું હતું કે હાલના મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા સરમાની સરકારે ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન જાહેરાતો માટે તેમના વિભાગને કુલ ૧૩૨ કરોડ રૂપિયા આપ્‍યા હતા.

માહિતી અને જનસંપર્ક વિભાગ એ છેલ્લા ૨ નાણાકીય વર્ષમાં અત્‍યાર સુધીમાં વિવિધ માધ્‍યમો પર ૧૩૦.૫૯ કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે. હઝારિકાએ વધુમાં જણાવ્‍યું હતું કે પૂર્વ મુખ્‍યમંત્રી સર્બાનંદ સોનોવાલના કાર્યકાળ દરમિયાન ભાજપ સરકારે DIPRને ૧૩૨.૩ કરોડ રૂપિયા જાહેર કર્યા હતા.

૨૦૧૬-૧૭ થી ૨૦૨૦-૨૧ સુધીની તમામ સરકારી જાહેરાતોની કુલ કિંમત ૧૨૫.૬ કરોડ રૂપિયા હતી. સોનોવાલ હાલમાં કેન્‍દ્ર સરકારમાં મંત્રી છે. મંત્રી પિયુષ હજારિકાએ જણાવ્‍યું કે આ જાહેરાતો અખબારો, સામયિકો, ટીવી ચેનલો, એફએમ રેડિયો અને અન્‍ય મીડિયામાં આપવામાં આવી છે. આસામમાં ભાજપે ૨૦૧૬માં પહેલીવાર સત્તામાં આવ્‍યા બાદ જાહેરાતો પર ૨૫૬.૧૯ કરોડ રૂપિયા ખર્ચ્‍યા છે.

અગાઉ, વિધાનસભામાં જણાવવામાં આવ્‍યું હતું કે મે ૨૦૨૧માં હિમંતા બિસ્‍વા સરમા આસામના મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારથી પોલીસ કસ્‍ટડીમાં ૬૬ આરોપીઓ માર્યા ગયા અને ૧૫૮ અન્‍ય ઘાયલ થયા. AIUDF ધારાસભ્‍ય અશરફુલ હુસૈનના એક પ્રશ્નના લેખિત જવાબમાં, મુખ્‍યમંત્રી સરમાએ જણાવ્‍યું હતું કે ૧૦ મે, ૨૦૨૧ અને ફેબ્રુઆરી ૨૮, ૨૦૨૩ વચ્‍ચે, પોલીસ સાથેની એન્‍કાઉન્‍ટરમાં ૩૫ આરોપીઓ માર્યા ગયા અને ૧૨ અન્‍ય ઘાયલ થયા. આ સિવાય પોલીસ ગોળીબારમાં ૨૬ લોકો માર્યા ગયા અને ૧૪૬ અન્‍ય ઘાયલ થયા એમ તેમણે જણાવ્‍યું હતું.

(12:00 pm IST)