Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સંમતિથી સેક્‍સ પછી લગ્ન ન થાય તો તે રેપ નથી : કર્ણાટક હાઇકોર્ટ

કોર્ટે આરોપી સામેની ચાર્જશીટ અને ફોજદારી કાર્યવાહી રદ્દ કરી : યુવતીએ પાંચ વર્ષ સુધી જાતિય સંબંધો પછી લગ્ન થતાં યુવક સામે બળાત્‍કારનો કેસ કર્યો હતો

બેંગ્‍લુરૂ તા. ૧૬ : કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્‍યું છે કે પાંચ વર્ષ સુધી સમતિથી બંધાયેલા જાતિય સંબંધો પછી જો લગ્ન ન થાય તો તેને બળાત્‍કાર ગણાવી શકાય નહીં. કોર્ટનું અવલોકન એક એવા વ્‍યક્‍તિના કેસની સુનાવણી દરમિયાન આવ્‍યું હતું કે જેની પર તેની પાંચ વર્ષ સુધી ગર્લફ્રેન્‍ડ રહેલી યુવતીએ બળાત્‍કારનો આરોપ મૂક્‍યો હતો. જસ્‍ટિસ એમ નાગપ્રસન્નાએ નોંધ્‍યું હતું કે આરોપી અને ફરિયાદી પ્રેમમાં હતા અને પાંચ વર્ષના ગાળામાં ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્‍યા હતાં અને શારીરિક સંબંધો જાળવી રાખવા માટે કથિત રીતે કોઈ બળપ્રયોગ થયો ન હતો.

બળાત્‍કારના આરોપોને રદબાતલ કરતા કોર્ટે જણાવ્‍યું હતું કે આ કેસમાં સંમતિ એક વાર, બે વાર, ત્રણવાર, દિવસો સુધી કે મહિનાઓ માટે નહીં; પરંતુ ઘણા વર્ષો સુધીની છે. ફરિયાદમાં કહેવામાં આવ્‍યું છે કે બંને પ્રેમમાં હતા. તેથી એવું કહી શકાય નહીં કે પાંચ વર્ષ સુધી મહિલાની સંમતિ તેની ઇચ્‍છા વિરુદ્ધ લેવામાં આવી હતી. આરોપીના જણાવ્‍યા મુજબ તેઓ પાંચ વર્ષ સુધી પ્રેમમાં હતા અને શારીરિક સંબંધો રાખ્‍યા હતા, પરંતુ અલગ-અલગ જ્ઞાતિને કારણે લગ્ન કરી શક્‍યા ન હતા. આ પછી બંને અલગ થઈ ગયા હતા. યુવતીની ફરિયાદને આધારે આરોપી પર બળાત્‍કારનો કેસ દાખલ કરાયો હતો. યુવતીએ દાવો કર્યો હતો કે લગ્નના બહાના હેઠળ શારીરિક સંબંધો માટે સમતિ લેવામાં આવી હતી અને તે બળાત્‍કાર સમાન છે. યુવતીએ જણાવ્‍યું હતું કે આરોપીએ શરૂઆતમાં તેની સાથે બળજબરીપૂર્વક સંભોગ કર્યો હતો. જોકે આ દાવાને ફગાવી દેતા ન્‍યાયાધીશે જણાવ્‍યું હતું કે આ જાતીય સંબંધ પાંચ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો અને તેથી તેને સહમતિ વગરના સંબંધો કહી શકાય નહીં. કોર્ટે નોંધ્‍યું હતું કે પક્ષકારો વચ્‍ચેના જાતીય સંબંધો સહમતિથી બંધાયેલા છે અને તે કલમ ૩૭૬ હેઠળ સજાપાત્ર બને તે માટે તે આઇપીસી કલમ ૩૭૫ હેઠળ બળાત્‍કાર છે તેવો આરોપ મૂકી શકાય નહીં. બંને પક્ષો વચ્‍ચેના સંબંધોનો આટલો લાંબો સમયગાળો અને તે દરમિયાનના તેમના શારીરિક સંબંધોને કારણે કલમ ૩૭૫ લાગુ પડે નહીં. ᅠ

 

(12:09 pm IST)