Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સંસદમાં સરકાર - વિપક્ષ આમને સામને : બંને ગૃહ ઠપ્‍પ

રાહુલ ગાંધીના નિવેદનથી માંડીને અદાણીના મુદ્દે હોબાળો

 

નવી દિલ્‍હી તા. ૧૬ : લોકસભા અને રાજયસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ફરી એકવાર હંગામો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી. બ્રિટનમાં રાહુલ ગાંધીના નિવેદનથી લઈને ગૌતમ અદાણી અને ઇડીના દરોડા સુધી સંસદના બજેટ સત્રમાં અનેક મુદ્દાઓ પર હોબાળો થયો છે. જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્‍ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સંસદ ભવનમાં તેમના ટોચના મંત્રીઓ સાથે મહત્‍વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં વિપક્ષો સાથે કેવી રીતે વ્‍યવહાર કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી રહી હોવાનો અંદાજ છે. આ સાથે જ કોંગ્રેસના નેતૃત્‍વમાં વિપક્ષોએ પણ કમર કસી લીધી છે. ગઈકાલે વિપક્ષે ઈડી સામે તેની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પરંતુ વિરોધ કરનારા નેતાઓને પહેલા જ અટકાવી દેવામાં આવ્‍યા હતા.

આ તરફ  આજે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્‍વમાં વિપક્ષના અનેક નેતાઓ સંસદ ભવનમાં બેઠક કરી રહ્યા છે. જેમાં અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વિપક્ષની બેઠકમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન, સપા નેતા રામગોપાલ યાદવ, આરજેડી સાંસદ મનોજ ઝા અને વિપક્ષના ઘણા નેતાઓ સામેલ છે.

આ તરફ લોકસભા અને રાજયસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ફરી એકવાર હંગામો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, વિપક્ષ રાહુલ ગાંધીના નિવેદન, ઇડીના દરોડા, મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ પર સરકારને સતત ઘેરી રહ્યો છે. જેના કારણે સંસદની કાર્યવાહી રોજબરોજ ખોરવાઈ રહી છે.

 

 

 

(3:37 pm IST)