Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

અરૃણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સર્ચ ઓપરેશન

પાંચ વર્ષમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ૧૭ ઘટના ઃ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર બોમડિલા નજીક નાની ઉડાન પર હતું

ઈટાનગર, તા.૧૬ ';અરુણાચલ પ્રદેશમાં સેનાના હેલિકોપ્ટરનો એક મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. હાલ પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે. ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલું હેલિકોપ્ટર બોમડિલા નજીક નાની ઉડાન પર હતું. આ હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક સવારે ૯.૧૫ વાગ્યાની આસપાસ તૂટી ગયો હતો. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પાયલોટને શોધવા માટે એક સર્ચ ટીમ મોકલાઈ છે.

છેલ્લા ૫ વર્ષમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ૧૭ જેટલી ઘટનાઓ બની છે. ગત વર્ષે લોકસભામાં રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી, જેમાં વર્ષ ૨૦૨૧થી લઇને ૨૦૧૭ સુધીના અકસ્માતોનો ઉલ્લેખકરાયો હતો, જેમાં બે અકસ્માત ૨૦૨૨ના ઉમેરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ૪, ૨૦૧૮માં ૨, ૨૦૧૯માં ૩, ૨૦૨૦માં ૧, ૨૦૨૧માં ક્રેશની ૫ અને આ ૨૦૨૨માં ક્રેશની ૨ ઘટનાઓ મળીને કુલ ૧૭ જેટલી ઘટનાઓ હેલિકોપ્ટર ક્રેશની બની છે. મોટા ભાગની ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ હેલિકોપ્ટરમાં ટેક્નીકલ ખામી હોવાનું સામે આવ્યું છે. ભારતીય વાયુસેના પાસે આ સિવાય એમઆઈ ૧૭ પ્રકારના ૨૨૩ હેલિકોપ્ટર્સ છે. જ્યારે વાયુસેના પાસે ૭૭ ચેક, આર્મી પાસે ૪ અને નેવી પાસે ૩૬ ચેતક હેલિકોપ્ટર છે.

ગત વર્ષે ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં સૈન્યનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર જવાનોના શહિત થયા હતા. ક્રેશ થયેલું રુદ્ર હેલિકોપ્ટર લોઅર સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામમાં પડ્યું હતું, જેમાં બે પાયલટ સહિત પાંચ લોકો સવાર હતા.

એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) બે પાયલટ અને સૈન્યના જવાનોને લઇને જઇ રહ્યું હતું. એવામાં સવારે તુટિંગ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું, જેમાં ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

ગત વર્ષે ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક ચીતા ચોપર ક્રેશ થયું હતું. આ ઘટનામાં લેફ્ટનન કર્નલ યાદવ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઈજા થઈ હતી. આ ચોપર અરુણાચલ પ્રદેશના તવાંગમાં સવારે નિયમિત ઉડાન બાદ દુર્ઘનાગ્રસ્ત થયુ હતુ.

(7:14 pm IST)