Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

અદાણીના મુદ્દે ડરી ગઈ છે સરકાર : લોકોને ભ્રમિત કરવા આ તમાશો ઉભો કર્યો: રાહુલ ગાંધીના પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું ગૃહમાં સ્પીકરને કહ્યું કે તેઓ ગૃહમાં બોલવા માગે છે. સરકારના ચાર મંત્રીઓએ મારા ઉપર આરોપ મૂક્યા છે તેથી મને મારી વાત રજૂ કરવાનો હક્ક છે

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટનની મુલાકાતેથી ભારત પાછા આવી ગયા છે. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે લોકસભા પહોંચ્યા હતા. પરંતુ, તેમણે આપેલા નિવેદનો પર સંસદના બન્ને ગૃહમાં હોબાળો ચાલુ હતો. દરમિયાન રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેમણે ગૃહમાં સ્પીકરને કહ્યું કે તેઓ ગૃહમાં બોલવા માગે છે. સરકારના ચાર મંત્રીઓએ મારા ઉપર આરોપ મૂક્યા છે તેથી મને મારી વાત રજૂ કરવાનો હક્ક છે

 રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું સ્પષ્ટ કહી શકતો નથી. પરંતુ મને લાગતું નથી કે તેઓ મને બોલવા દેશે. હું આશા રાખું છું કે આવતીકાલે મને ગૃહમાં બોલવા દેવામાં આવશે. આજે હું પહોંચ્યો તેની એક મિનિટ પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. થોડાં દિવસ પહેલા ગૃહમાં મેં નરેન્દ્રભાઈ  મોદી અને અદાણીના સંબંધ વિશે જે ભાષણ આપ્યું હતું તેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તે ભાષણમાં જાહેર રેકોર્ડમાં ન હોય તેવી કોઈ પણ બાબત ન હતી.

અદાણી અને પીએમમોદીના સંબંધનો મુદ્દો ફરીથી ઉઠાવતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ આખો મામલો ભ્રમિત કરવાનો એટલે કે અન્યત્ર ધ્યાન દોરવાનો છે. સરકાર અને પ્રધાનમંત્રી અદાણીના મુદ્દે ડરી ગયા છે એટલે આવો તમાશો ઉભો કર્યો છે.

 

રાહુલ ગાંધીના આક્ષેપો પર વળતો પ્રહાર કરતાં કેન્દ્રીયમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં માફી માગવી જોઈએ. દેશ રાહુલ ગાંધી પાસેથી માફીની માગણી કરી રહ્યો છે. તમામ સાંસદો તેમની માફીની માંગ કરી રહ્યા છે. વિદેશી ભૂમિ પર આ પ્રકારની વાત બોલવા માટે તેમણે માફી માગવી જોઈએ.

બીજી બાજુ આ મામલા અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેમને લાગતું હતું કે રાહુલ ગાંધી અપરિપક્વ નેતા છે, તેમની માનસિક ઉંમર પાંચ વર્ષ કરતાં પણ ઓછી લાગતી હતી. પરંતુ, જે રીતે તેમણે વિદેશ જઈને ટીકા કરી છે તે દેશની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દેવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું, “મને તો તેમના ભારતીય હોવા અંગે શંકા છે.”

(8:15 pm IST)