Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

તુર્કી બાદ હવે સંયુક્ત આરબ અમીરાતે ભારતમાંથી ઘઉંની આયાત બંધ કરશે

ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની નિકાસ અને પુનઃનિકાસને ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો

તુર્કી બાદ હવે સંયુક્ત આરબ અમીરાતે ભારતમાંથી ઘઉંની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) એ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની નિકાસ અને પુનઃનિકાસને ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે, એવુ સ્ટેટ ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ છે.

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો મુખ્ય સ્ત્રોત છે. ગલ્ફ દેશની ઇકોનોમી મિનિસ્ટ્રીએ આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા, પરંતુ ઉમેર્યું હતું કે, ભારતે યુએઈમાં સ્થાનિક વપરાશના ઉદ્દેશ્ય માટે ઘઉંની નિકાસને મંજૂરી આપી છે.યુએઇના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ભારતે 13મી મેના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેની પહેલા યુએઈમાં આયાત કરાયેલા ભારતીય ઘઉંની નિકાસ અથવા પુન: નિકાસ કરવા ઈચ્છતી કંપનીઓએ પહેલા મંત્રાલયને અરજી કરીને મંજૂરી મેળવવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક નિકાસ માંગમાં મોટી વૃદ્ધિ અને ઓછા ઉત્પાદનને પગલે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધ્યા હતા, જેને પગલે ભારત સરકારે 14 મે, 2022ના રોજ ખાનગી વેપારીઓ- નિકાસકારો દ્વારા દેશમાંથી ઘઉંની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે અન્ય દેશોની વિનંતી કે આવશ્યકતાને ધ્યાનમાં રાખી બંને દેશોની સરકારો વચ્ચેના સંબંધોના આધારે ઘઉંની નિકાસ ચાલુ રાખવાની વાત કહી હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 469,202 ટન ઘઉંની શિપમેન્ટને મંજૂરી આપી છે.

(10:06 pm IST)