Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ચેરાપુંજીમાં એક જ દિવસમાં ૩૨ ઇંચ વરસાદ

આ વરસાદ ૧૯૯૫ પછી જૂન મહિનામાં એક દિવસમાં પડેલો સૌથી વધુ છે

નવી દિલ્‍હી, તા. ૧૬ : દેશના ઉત્તર પૂર્વના વિસ્‍તારોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્‍યારે મેઘાલયના ચેરાપુંજીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૧.૬ મિમી વરસાદ નોંધવામાં આવ્‍યો છે. આ વરસાદ ૧૯૯૫ પછી જૂન મહિનામાં પડેલો સૌથી વધુ વરસાદ છે તેમ ભારતીય હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્‍યું છે.

ચેરાપુંજીથી દસ કિમી દૂર આવેલા મોસિનરામમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૦.૬ મિમી વરસાદ પડયો છે. જે જૂન, ૧૯૬૬ પછીનો સૌથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે છે. જૂનમાં એક જ દિવસમાં ૭૫૦ મિમીથી વધારે વરસાદ પડયો હોય તેવું ઇતિહાસમાં ફક્‍ત દસ વખત જ જોવા મળ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે ૧૬ જૂન, ૧૯૯૫ના રોજ ચેરાપુંજીમાં ૧૫૬૩ મિમી વરસાદ પડયો હતો. જયારે ૧૫ જૂન, ૧૯૯૫ના રોજ ૯૩૦ મિમી વરસાદ પડયો હતો.

આ દરમિયાન આસામમાં પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતા સળંગ બીજા દિવસે ભૂસ્‍ખલનની ઘટનાઓ જોવા મળી છે. ભારે વરસાદને કારણે ગુવાહાટીના અનેક વિસ્‍તારો જળબંબાકાર થઇ ગયા છે. 

(10:03 am IST)