Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

યુએસ ફેડરલ દ્વારા સૌથી મોટો વ્યાજદર વધારો કરાયો

મોંઘવારીને નિયંત્રણમાં લેવા હવાતિયાં : યુએસ ફેડરલ રિઝર્વના રેટ હાઇકના ગણતરીના કલાકોમાં જ સ્વીસ બેંકે પણ વ્યાજદરમાં વધારો કરી નાખ્યો

વોશિંગ્ટન, તા.૧૬ : વિશ્વ સમગ્ર મોંઘવારી સામે તમામ મોરચે લડી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં પણ ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ એટલેકે સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ૧૯૯૪ બાદનો સૌથી મોટો વ્યાજદર વધારો કરવાની ફરજ પડી હતી. ગવર્નર પોવેલે કહ્યું હતુ કે મોંઘવારીને ડામવા માટે આગામી સમયમાં પણ વ્યાજદર વધારો ચાલુ રહેશે. જોકે યુએસ ફેડના રેટ હાઇકના ગણતરીના કલાકોમાં જ સ્વીસ બેંકે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે.

સ્વિઝરલેન્ડની સેન્ટ્રલ બેંક, સ્વીસ નેશનલ બેંક(એસએનબી)એ બેંચમાર્ક વ્યાજદરમાં ૧૫ વર્ષમાં પ્રથમ વખત વધારો કર્યો છે. દેશમાં વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ બેંકે મોનિટરી પોલિસીને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બેંકે પોલિસી રેટ વધારીને -૦.૭૫%થી વધારીને -૦.૨૫% કર્યો છે. ૨૦૧૫ બાદ વ્યાજદરમાં આ ફેરફાર છે. વ્યાજદરમાં આ વધારો જીદ્ગમ્ દ્વારા સપ્ટેમ્બર, ૨૦૦૭ પછીનો પ્રથમ વધારો છે.

વ્યાજદરમાં વધારા છતા એસએનબીએ માર્ચમાં આપેલ મોંઘવારીના ૨.૧%ના અનુમાનને વધારીને ૨.૮% કર્યો છે. દેશમાં મોંઘવારી ૨૦૨૩ અને ૨૦૨૪માં ૧.૯% અને ૧.૬% રહેવાની અપેક્ષા સેવાઈ છે. આગામી બે વર્ષ માટેના ફુગાવા વધારાનું અનુમાન પણ અગાઉના અંદાજિત આંકડા કરતા વધુ છે. જોકે વ્યાજદરમાં વધારા અને મોંઘવારીની આશંકા વચ્ચે એસએનબીએ હજુ પણ ૨૦૨૨માં સ્વીસ અર્થતંત્ર લગભગ ૨.૫% વૃદ્ધિની અપેક્ષા રાખી છે.

સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ૧૫ વર્ષ બાદ વધારો કરતા સ્થાનિક ચલણમાં તેજી જોવા મળી હતી. સોનાની જેમ જ સેફ-હેવન ગણાતા ફ્રાંક ૨% ઉછળ્યો છે. સ્વીસ ફ્રાંક ૨%થી વધુ ઉંચકાઈને ૧.૦૧૮૦ યુરોના લેવલે પહોંચ્યો છે. ડોલરની સામે ફ્રાંક ૧.૩% વધીને ૦.૯૮૨૫ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.

અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની ટોચે પહોંચ્યો છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે બુધવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૦.૭૫% દરમાં વધારો કર્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ મોંઘવારી ૮.૧%ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ગયા અઠવાડિયે સંકેત આપ્યો હતો કે તે યુરોઝોનમાં વધતા ફુગાવાને રોકવા માટે જુલાઈમાં તેના દરોમાં વધારો કરશે.

(8:09 pm IST)