Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સમાજવાદી પાર્ટીના બે MLC ભાજપમાં જોડાયા

કોંગ્રેસના નેતાઓએ પણ પક્ષપલટો કર્યો છે : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને નેતાઓની પક્ષપલટોનો ખેલ ચાલી રહ્યો છે

લખનઉ, તા.૧૬ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને નેતાઓની પક્ષપલટોનો ખેલ ચાલી રહ્યો છે. ઘણા નેતાઓએ ભાજપ છોડી સપા તો ઘણા ઘણાએ સપા છોડી ભાજપમાં જોડાયા છે. બસપા અને કોંગ્રેસના નેતાઓએ પણ પક્ષપલટો કર્યો છે. એવામાં રવિવારે એસપીના ૨ MLC ઘનશ્યામ લોધી અને શૈલેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પણ ભાજપમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે આ નેતાઓને પાર્ટીની સદસ્યતા આપી દીધી છે. સપાના વિધાન પરિષદના બે સભ્યો ઉપરાંત પૂર્વ IAS રામ બહાદુર BSP છોડીને ભાજપમાં જોડાયા છે. આ સાથે જ પૂર્વ ધારાસભ્ય ઓમપ્રકાશ વર્મા પણ ભાજપમાં જોડાયા છે. આ પહેલા પૂર્વ IPS ઓફિસર અસીમ અરુણ પણ આજે લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અસીમ અરુણે કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું, સંતુષ્ટ છું. ભાજપ પાસે નવું નેતૃત્વ વિકસાવવાનું વિઝન છે. તેઓ તેને એક યોજનાની જેમ ચલાવે છે. હું પણ આ યોજનાનો એક ભાગ છું. મને આ તક આપવા બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું.

તમને જણાવી દઈએ કે તમામ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસે યુપી વિધાનસભાના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેમાં સોશિયલ એન્જિનિયરિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુપીમાં ૭ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૦ ફેબ્રુઆરીએ થશે અને પરિણામ ૧૦ માર્ચે આવશે.

(12:00 am IST)