Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કોરોના વાયરસ વચ્ચે ભારતે સોનાની ધૂમ આયાત કરી

Gold Import નો આંકડો બમણો થયો : ડિસેમ્બરમાં સોનાની આયાત વધીને ૪.૮ અબજ ડોલર

નવી દિલ્હી, તા.૧૬ : કોરોના તેની ટોચ પર હતો ત્યારે ભારતમાં સોનાની ભારે આયાત કરવામાં આવી હતી. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનાની આયાત કરવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે આ નવ મહિનામાં ગોલ્ડ ઇમ્પોર્ટ બમણું થઈને ૩૮ અબજ ડોલર સુધી પહોંચ્યું હતું.

ગોલ્ડની આયાત વધે તે સરકાર માટે ચિંતાનો વિષય ગણાય છે કારણ કે સોનાની આયાત પાછળ સારું એવું વિદેશી હુંડિયામણ ખર્ચ કરવું પડે છે. ગોલ્ડની આયાત જેમ જેમ વધતી જાય તેમ દેશની ચાલુ ખાતાની ખાધ એટલે કે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધે છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના ગાળા દરમિયાન ભારતમાં સોનાની આયાત અગાઉ કરતા બમણી થઈને ૩૮ અબજ ડોલરે પહોંચી હતી. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં ભારતે ૧૬.૭૮ અબજ ડોલરના ગોલ્ડની આયાત કરી હતી.

ડિસેમ્બર ૨૦૨૧ના મહિનાની વાત કરીએ તો પીળી ધાતુની આયાત વધીને ૪.૮ અબજ ડોલર થઈ હતી જે એક વર્ષ અગાઉના ડિસેમ્બર મહિનામાં ૪.૫ અબજ ડોલર હતી. નવ મહિના દરમિયાન સોનાની આયાતમાં જંગી વધારો થવાના કારણે વ્યાપાર ખાધ વધીને ૧૪૨.૪૪ અબજ ડોલર થઈ હતી જે એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં ૬૧.૩૮ અબજ ડોલર હતી. તેવી જ રીતે ચાંદીની આયાતમાં પણ ઉછાળો આવ્યો હતો. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ના સમયગાળામાં ચાંદીની આયાત વધીને બે અબજ ડોલર થઈ હતી જે અગાઉના વર્ષમાં સમાન ગાળામાં ૭૬.૨ કરોડ ડોલર હતી.

ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. હાલમાં ચીન પછી સૌથી વધુ સોનું ભારતીયો દ્વારા ખરીદવામાં આવે છે. ખાસ કરીને જ્વેલરી સેક્ટરમાં સોનાની એટલી બધી માંગ હોય છે કે તેને પહોંચી વળવા માટે સોનાની મોટા પ્રમાણમાં આયાત કરવી પડે છે. ચાલુ રાજકોષીય વર્ષના નવ મહિના દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ ૭૧ ટકા વધીને લગભગ ૨૯ મિલિયન ડોલર થઈ હતી. ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે ભારતની ચાલુ ખાતાની ખાધ ૯.૬ અબજ ડોલર થઇ હતી જે સપ્ટેમ્બર મહિનામાં કુલ જીડીપીના ૧.૩ ટકા હતી. ચાલુ ખાતામાં ગુડ્સ અને સર્વિસની આયાત અને નિકાસની વેલ્યૂનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૂડીના આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરને પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. એક ક્વાર્ટર અને એક વર્ષ અગાઉ આ રકમ સરપ્લસમાં હતી.

(12:00 am IST)