Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભારતીય મહિલાઓ દર મહિને પરિવાર માટે આપે છે ૪૦ હજાર કરોડ રૂપિયાનો ભોગ

ગૃહિણીઓ ૧૫ થી ૪૦ હજાર રૂપિયાનું ઘરકામ કરે છે વગર પગારે : છતાં પણ એમને પ્રશ્ન એ જ પૂછાય છે કે તમારે કામ શું છે ???

મુંબઇ તા. ૧૭ : ભારત સહિત વિશ્વની તમામ મહિલાઓ દરરોજ એ પ્રશ્ન સામે લડતી હોય છે કે તેમના ઘરકામને એટલું માન કેમ નથી મળતું જેટલું પુરૂષોના કામને મળે છે. યુરોપના તમામ દેશોમાં હવે આ માંગ જોર પકડવા લાગી છે. એક ગૃહિણીના રૂપમાં મહિલાઓના કામના કલાકો પુરૂષોની સરખામણીમાં અનેકગણા વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ૨૦૨૧ના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં મહિલાઓ અવેતનીક ઘરેલું કામો માટે કુલ કલાકોના ૭૬ ટકા જેટલો સમય આપે છે જે પુરૂષોની સરખામણીમાં ત્રણ ગણો છે. એશીયા અને પ્રશાંત ક્ષેત્રમાં આ આંકડો ૮૦ ટકાથી પણ વધારે છે. ભારતમાં લગભગ ૨૦ કરોડ મહિલાઓ દર મહિને અવેતનીક ઘરકામ કરીને સરેરાશ ૪૦ હજાર કરોડ રૂપિયાનો ભોગ પરિવારને આપે છે.

ભારતમાં નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ (એનએસઓ) ૨૦૨૦ના ટાઇમ યુઝ સર્વે અનુસાર શહેરી મહિલાઓ ઘરકામ માટે ૨૯૩ મીનીટ વાપરે છે. જ્યારે પૂરૂષો ફકત ૯૪ મીનીટ જ આપે છે, જ્યારે ગ્રામીણ મહિલાઓની ૩૦૧ મીનીટ સામે પુરૂષો ૯૮ મીનીટ આપે છે.

ભારતીય ગૃહિણીઓનો આક્ષેપ છે કે, ઘરના કામને સામાન્ય કેમ ગણવામાં આવે છે. જો કયારેક સહયોગ માંગે તો પણ જવાબ મળે છે તેમ કરો છો શું ? આ કામ તો મમ્મી પણ કરતી હતી તેમણે તો કયારેય મદદ નહોતી માંગી. જો ઘરનું કામ સામાન્ય જ હોય તો પુરૂષ અઠવાડિયામાં એક દિવસ જ આ કામ કરી બતાવે તો કદાચ તેમના વિચારો બદલાઇ જશે.

એક અનુમાન અનુસાર શહેરમાં સરેરાશ મધ્યમ પરિવારની ભણેલી ગણેલી ગૃહિણી જમવાનું બનાવવાનું, કપડા ધોવાનું, સાફ સફાઇ, બાળકોને ભણાવવા, વડીલો અને ઘરના સભ્યોની દેખભાળ ઉપરાંત ઘરના અન્ય કામ કરે તો તે ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની હક્કદાર છે. તો મેટ્રો શહેરોની મહિલાઓ આ કામ મહિને ૩૦ થી ૪૦ હજાર રૂપિયાનું કરે છે.

વેનેઝુએલા વિશ્વનો પહેલો એવો દેશ છે જ્યાં ૨૦૦૭થી ગૃહિણીઓને ઘરકામ માટે પેમેન્ટ આપવામાં આવે છે. અહીં બંધારણની કલમ ૮૮ હેઠળ પહેલા તબક્કામાં ૧,૦૦,૦૦૦ મહિલાઓને ૧૮૦ અમેરિકન ડોલર પ્રતિમાસ આપવામાં આવ્યા હતા. કેનેડા, નોર્વે, પોલેન્ડ અને ડેન્માર્કમાં આવો કાયદો બનવાની તૈયારીમાં છે જ્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઓસ્ટ્રીયા, ઇઝરાયેલ વગેરે દેશોમાં આ માંગ જોર પકડી રહી છે.

ઓકસફેમના ટાઇમ ટુ કેરના હાલના રિપોર્ટ અનુસાર વિશ્વભરની મહિલાઓ વર્ષમાં લગભગ ૧૦ હજાર અબજ ડોલરનું અવેતનીક ઘરેલુ કામ કરે છે. આ રકમ એપલના વાર્ષિક કારોબારના ૪૩ ગણા અને ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લીસ્ટની ૫૦ મોટી કંપનીઓની કુલ આવક કરતા પણ વધારે છે. ભારતમાં આ રકમ દેશના જીડીપીના ૩.૧ ટકા જેટલી છે.

ચીનની એક અદાલતે ૨૦૨૧માં છૂટાછેડાના એક કેસમાં એક વ્યકિતને પાંચ વર્ષના વૈવાહિક જીવન દરમિયાન પત્ની દ્વારા કરવામાં આવેલ ઘરકામના બદલામાં ૫.૬૫ લાખના વળતરનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાને આખી દુનિયાને વિચારવા મજબૂર કરી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં ભારતની સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં લખ્યું હતું કે, ઘરનું કામ પરિવારની આર્થિક સ્થિતીની સાથે રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં વાસ્તવિક યોગદાન કરે છે.

મહિલાઓ જમવાનું બનાવવા, કપડા ધોવા, બાળકોની દેખભાળ, બુઝુર્ગોનું ધ્યાન રાખે છે તે પણ સર્વિસ છે અને ડાયરેકટ ઉત્પાદન સાથે જોડાયેલી છે. જ્યારે આ કામ દેશની આવક અને દેશને તંદુરસ્ત રાખવામાં યોગદાન આપતું હોય તો તે કામનું મૂલ્યાંકન કેમ નથી થતું ?(૨૧.૭)

મેકિસકો     ૪૩૦  ૧૧૮

ઇરાક        ૩૪૫  ૧૦૫

અમેરિકા     ૩૩૦  ૧૫૦

ઓસ્ટ્રેલિયા   ૩૦૦  ૧૮૦

ભારત       ૨૯૭  ૩૧

તાઇવાન    ૧૬૮  ૧૧૧

ચીન         ૧૫૨  ૯૦

હોંગકોંગ     ૧૫૦  ૭૦

નાર્વે         ૧૪૮  ૧૧૦

જાપાન      ૧૩૦  ૧૧

(10:20 am IST)