Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસી લગાવાશે

ઓમિક્રોનના વધી રહેલા કહેર સામે સરકારે પણ રસીકરણની ઝુંબેશ વેગવંતી બનાવી : હાલ ૧૫-૧૭ વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે રસી : ૩ કરોડ બાળકોને લગાવાઇ ચુકી છે

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં જેમ કે કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. તેમ તેમ કેન્દ્ર અને રાજ્યો વેકસીનેશનની પ્રક્રિયા પણ વેગવંતી કરી રહ્યા છે. હાલ દેશમાં ૧૫ થી ૧૭ વર્ષના બાળકોને રસી આપવાનું ચાલુ છે. એ દરમિયાન હવે એવું બહાર આવ્યું છે કે, માર્ચથી ૧૨-૧૪ વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ થશે.

ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆત સાથે દેશમાં ૧૨-૧૪ વય જૂથના બાળકો માટે કોવિડ રસીકરણ કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં છે. તેમજ ઇમ્યુનાઇઝેશન પરના નેશનલ ટેકિનકલ એડવાઈઝરી ગ્રુપના અધ્યક્ષ ડો. એન કે અરોરાએ જણાવ્યું હતું. કિશોરો માટેનો રસીકરણ પ્રોગ્રામ સમગ્ર દેશમાં ખૂબ જ પ્રભાવશાળી પ્રગતિ કરી રહ્યો છે. ૧૫ થી ૧૭ વર્ષની વયના કુલ ૩.૩૧ કરોડ બાળકોએ તેમનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે, જે આ વર્ષે ૩ જાન્યુઆરીના રોજ રસીકરણ પ્રોગ્રામ શરૂ થયાના માત્ર ૧૩ દિવસમાં લગભગ ૪૫% કવરેજ ધરાવે છે.

'અમે ૧૫-૧૭ વર્ષની વયના તમામ ૭.૪ કરોડ કિશોરોને જાન્યુઆરીના અંત સુધીમાં પ્રથમ ડોઝ સાથે આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે જેથી કરીને અમે ફેબ્રુઆરીના પ્રારંભથી બીજા ડોઝ સાથે રસી આપવાનું શરૂ કરી શકીએ અને ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજો ડોઝ પૂરો કરી શકીએ. ફેબ્રુઆરીના અંત અથવા માર્ચની શરૂઆતમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરવા માંગીએ છીએ.' તેમ ડો. અરોરાએ જણાવ્યું હતું.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે '૧૨ થી ૧૭ વર્ષની વયના બાળકો પુખ્ત વયના લોકો જેવા જ હોય છે. તેમણે ઉમેર્યુ હતું કે તેથી, નિર્ણય મુખ્યત્વે પહેલા ૧૫-૧૭ જૂથના કિશોરોને રસી દ્વારા સુરક્ષિત કરવાનો લેવામાં આવ્યો હતો. એકવાર તેમનું સંપૂર્ણ રસીકરણ થઈ જાય, પછી સરકાર આગામી વય જૂથને સમાવવાનો નીતિગત નિર્ણય લેશે, જે ૧૨-૧૪ વર્ષનું વય જૂથ છે.' નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનના કોવિડ-૧૯ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો. એન કે અરોરાએ રવિવારે જણાવ્યું હતું કે કોવિડ રસીકરણ કાર્યક્રમ ફેબ્રુઆરીના અંતથી ૧૨-૧૪ વય જૂથ માટે શરૂ થવાનો છે.

તેમણે કહ્યું કે કિશોરોને ઈમ્યુનિટી પહેલા આપવી જરૂરી છે કારણ કે તેઓ સતત એકિટવ અને હરતા ફરતા હોય છે. તેઓ શાળાઓ, કોલેજોમાં જાય છે, એકબીજાને મળે છે અને તેથી સંક્રમણ લાગવાનું ઉચ્ચ જોખમ પણ ધરાવે છે, ખાસ કરીને કોરોનાવાયરસના ઝડપી સંક્રમણ ફેલાવતા ઓમિક્રોન વેરિયન્ટને કારણે જ સરકારે અંડર-૧૮ કેટેગરીના આ જૂથને પ્રાથમિકતા આપી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ઇન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિકસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રમોદ જોગે જણાવ્યું હતું કે, 'બાળકોના રસીકરણના કાર્યક્રમનો વિસ્તાર કરવો એ આવકારદાયક પગલું છે. આ સાથે સરકારે ૫-૧૪ વય જૂથના કોમોર્બિડિટી ધરાવતા બાળકોના રસીકરણને પણ પ્રાથમિકતા આપવા અંગે વિચારવું જોઈએ કારણ કે તેઓને કોવિડ થવાનું અને ગંભીર સ્ટેજ પર પહોંચવાનું જોખમ પણ વધુ હોય છે.' ભારત બાયોટેકની રસી કોવેકિસન જેને દેશના કિશોરો એટલે કે ૧૫-૧૭ વય જૂથને આપવામાં આવે છે, તેને ૨-૧૭ વય જૂથના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગને લઈને કેન્દ્રની મંજૂરી મળી છે. આ રસીનો ઉપયોગ ૨-૧૭ વર્ષની વયના બાળકો પર કરવામાં આવેલા ટ્રાયલ્સમાં સલામત અને અસરકારક જોવા મળી છે.

(10:59 am IST)