Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

શાળાકીય પાઠયક્રમનું માળખુ બદલવાની તૈયારીઓમાં ગતિ

૧૦+૨ ની જગ્યાએ ૫+૩+૩+૪ ની નવી પેટર્ન

પાઠયક્રમ નવેસરથી એવો તૈયાર કરાશે કે ગોખણીયુ જ્ઞાન નહીં ચાલે

નવી દિલ્હી તા. ૧૭ : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શાળાકીય શિક્ષણના માળખામાં ફેરફારની જે ભલામણો કરાઇ હતી તેના પર અમલ ઝડપભેર શરૂ થઇ ગયો છે. તેમાં જે મહત્વનો ફેરફાર છે, તે શાળાના પાઠયક્રમને ૧૦+૨ની પેટર્નમાંથી કાઢીને ૫+૩+૩+૪ની પેટર્નમાં લઇ જવાનો છે. શિક્ષણ મંત્રાલયે આ કામમાં વધારે મોડુ ના કરતા તેને આ વર્ષે પુરૃં કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આના માટે રચાયેલી ટીમને ઝડપભેર આ દિશામાં કામ આગળ વધારવાના નિર્દેશ આપ્યા છે. શિક્ષણ મંત્રાલયે આની સાથે જ શાળાના પાઠયક્રમને નવેસરથી રચવા પર પણ ભાર મુકયો છે જેનાથી શાળાઓમાં ગોખણીયા જ્ઞાનનો આખો ખેલ ખતમ થઇ જશે. સાથે જ એવા પાઠયક્રમનો વિકાસ કરાશે જેમાં શીખવાની સમગ્ર પ્રક્રિયા હોય.

મંત્રાલયે નેશનલ કયુરીકયુલમ ફ્રેમવર્ક માટે જે નિષ્ણાંતોની ટીમ બનાવી છે તેના નેતા ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને દેશના સીનીયર વૈજ્ઞાીનક કે કસ્તુરીરંગનને બનાવ્યા છે. જણાવી દઇએ કે આ એ જ કસ્તુરીરંગન છે જેમની આગેવાનીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ તૈયાર કરાઇ છે. મંત્રાલયનું માનવું છે કે, આ પગલું એટલા માટે લેવાયું છે કે જેથી નીતિ દ્વારા સુધારાનું જે સ્વપ્ન જોવાયુ છે તે સંપૂર્ણપણે માળખામાં આવી શકે. શિક્ષણ મંત્રાલયે આ સાથે જ શાળાકીય માળખુ તૈયાર કરવામાં જે મૂળભૂત વિષયો પર ધ્યાન આપવા પર ભાર મુકયો છે, તેમાં ૨૧મી સદીની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિચાર આધારિત વિષયવસ્તુને પ્રમુખતા આપવા, વૈજ્ઞાનિક વિચારધારા, સમસ્યા સમાધાન, સહયોગ અને ડીજીટલ શિક્ષણ સાથે સંકળાયેલ વિષયો સામેલ છે. સાથે જ સ્થાનિક વિષય વસ્તુ અને ભાષાને મુખ્યરૂપે સામેલ કરવાનું સૂચન કરાયું છે.

મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર શાળાકીય માળખાને તૈયાર કરવાનું મોટાભાગનું કામ પુરૃં થઇ ચૂકયું છે. હવે રચવામાં આવેલ ઉચ્ચસ્તરીય સમિતિ તેની સમીક્ષા કરશે. સાથે જ એ ચકાસણી કરશે કે ફેરફાર નવી શિક્ષનીતિ મહત્વની ભલામણોને અનુરૂપ જ કરાયો છે કે નહીં. સાથે જ કોઇ મહત્વનો વિષય રહી તો નથી ગયો.

હાલમાં ૧૦ પ્લસ ટુ વાળા શાળાકીય માળખામાં ત્રણથી ૬ વર્ષની વયના બાળકો સામેલ છે કેમકે છ વર્ષની વયે બાળકોને સીધો પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે. પણ નવા ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરના માળખામાં ત્રણ વર્ષની વયથી જ બાળકોને શિક્ષણ સાથે જોડવામાં આવશે. એટલે હવે બાળક જેવો ત્રણ વર્ષનો થાય તેને આંગણવાડી અથવા બાલમંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યાં તે છ વર્ષની ઉંમર સુધી ભણશે. ત્યાર પછી તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. શાળાકીય શિક્ષણના નવા માળખામાં પહેલું ચરણ ફાઉન્ડેશન છે. જે પાંચ વર્ષનું હશે. તેમાં બાળક ત્રણ વર્ષથી ૮ વર્ષની ઉંમર સુધી અભ્યાસ કરશે. બીજું ચરણ પ્રાથમિક ચરણ હશે જે ત્રણ વર્ષનું હશે. જેમાં ધોરણ ત્રણથી પાંચનો અભ્યાસ થશે. ત્રીજું ચરણ મીડલ રહેશે અને તે પણ ત્રણ વર્ષનું હશે. જેમાં ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસ હશે. ચોથું ચરણ સેકન્ડરી હશે તેમાં ધોરણ નવથી બારનો અભ્યાસ રહેશે.(

(10:50 am IST)