Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઉત્તરાખંડ કોંગ્રેસમાં ટિકિટ વિવાદ યથાવત :હવેકોકડું નહિ ઉકેલાય તો રાહુલ ગાંધી કરશે નિર્ણય

સીઈસીની બેઠકમાં એક વખત ઉમેદવારોના નામો પર ચર્ચા થશે અને જો સર્વસંમતિ નહીં સધાય તો કોંગ્રેસ હાઈકમાન્ડ ઉમેદવારોના નામ નક્કી કરશે

નવી દિલ્હી :ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીની બેઠકો માટે કોંગ્રેસે હજુ ઉમેદવારોના નામ પર મહોર મારવાની બાકી છે. ટિકિટની વહેંચણીમાં વિલંબ થવા પાછળનું સૌથી મોટું કારણ રાજ્યમાં કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદ છે. જેના કારણે પાર્ટી ઉમેદવારોના નામ નક્કી કરી શકી નથી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને વિપક્ષના નેતા પ્રીતમ સિંહ તેમના નજીકના લોકોને વધુમાં વધુ ટિકિટ અપાવવા માંગે છે. જેથી કરીને રાજ્યમાં ચૂંટણી બાદ જે સંજોગો ઊભા થાય તેમાં તેઓ સીએમ પદનો દાવો કરી શકે. તે જ સમયે, એવી ચર્ચા છે કે જો રાજ્યમાં ટિકિટ વહેંચણી પર નિર્ણય ન લઈ શકાય, તો કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે રાહુલ ગાંધી પોતે જ નિર્ણય લેશે. 

વાસ્તવમાં છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં કોંગ્રેસની ટિકિટ વહેંચણીને લઈને બેઠક ચાલી રહી છે. પરંતુ હજુ સુધી ઘણી બેઠકો પર સહમતિ બની શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો એક જૂથને ટિકિટ આપવામાં આવે છે, તો બીજા જૂથના નેતા બળવાખોર બની શકે છે. પક્ષને નુકસાન સહન કરવું પડશે અને તેનું સત્તામાં આવવાનું સપનું પૂરું નહીં થાય. તેથી, પક્ષ બંને જૂથોની સંમતિથી ઉમેદવારોની પસંદગી કરવા માંગે છે. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડ પાર્ટીમાં જૂથવાદને લઈને પણ કડક છે. હાલમાં એવી ચર્ચા છે કે સીઈસીની બેઠકમાં એક વખત ઉમેદવારોના નામો પર ચર્ચા થશે અને જો સર્વસંમતિ નહીં સધાય તો કોંગ્રેસ હાઈકમાન્ડ ઉમેદવારોના નામ અંગે નિર્ણય લેશે

(12:46 pm IST)