Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કોરોનાકાળમાં ગરીબોની સંખ્યા બમણી થઇ પણ અદાણી ગ્રુપની સંપત્તિમાં ધરખમ વધારો થયો

કોરોનાના સમયમાં ૪૦ નવા અબજપતિ ઉમેરાયા : ભારત ધનપતિઓના મામલે અનેક દેશોથી આગળ

નવી દિલ્હી તા. ૧૭ : કોરોના મહામારીના સંકટકાળમાં જ્યાં એક બાજુ ભારતમાં અરબપતિઓની સંખ્યામાં વધારો થાય છે. તો બીજી બાજુ ગરીબી પણ તેજીથી વધી રહી છે. ઓકસફ્રેમ ઇન્ડિયાના રીપોર્ટ મુજબ દેશમાં ગયા વર્ષે ગરીબોની સંખ્યા બે ગણી થઇ છે. જ્યારે દેશમાં ૪૦ નવા અરબપતિ બન્યા છે. આ બધાની વચ્ચે ભારત અરબપતિઓની સંખ્યાના મામલે વિશ્વના અનેક દેશોથી આગળ નીકળી ચુકયા છે. દેશના અરબપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જોરદાર વધારો નોંધવામાં આવ્યો.

કોરોના મહામારી દરમિયાન દેશ આખો ભયાનક મુશ્કેલીમાંથી પસાર થયો છે. કોરોનાએ દેશવાસીઓને આર્થિક સામાજિક રીતે પાયમાલ કરી દીધા હતા. દેશના ૮૪ ટકાથી વધુ પરિવારોએ મોટાપાયે સમસ્યાનો સામનો કર્યો છે. પણ સામે અમુક કુબેરપતિઓ એવા પણ છે જેમને આ મહામારી ફળી હતી. આખી દુનિયાની સમસ્યામાં પણ તેમણે મોટા પાયે પૈસા બનાવ્યા હતા.

કોરોના મહામારી દરમિયાન દેશના અબજોપતિઓની સામાન્ય સંપત્તિ બમણીથી વધુ થઈ હતી, ત્યારે તેમની સંખ્યા ૩૯ ટકા વધીને ૧૦૨ થી ૧૪૨ થઈ ગઈ હતી. દેશના ૧૦ સૌથી ધનિક લોકોની વાત કરીએ તો તેમની પાસે એટલા પૈસા છે કે તેઓ ૨૫ વર્ષ સુધી દેશના તમામ બાળકોની શાળા અને ઉચ્ચ શિક્ષણ દત્ત્।ક લઈ ખર્ચ ઉઠાવી શકે છે.

કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષમાં દેશના ૮૪ ટકા પરિવારોએ જીવન અને આજીવિકા ગુમાવવાને કારણે તેમની આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. દેશના ૯૮ સૌથી ધનિક ભારતીયો પાસે લગભગ ૪૯.૨૭ લાખ કરોડની સંપત્તિ છે. આ રકમ નીચલા સ્તરના ૫૫. ૫ કરોડ લોકોની કુલ સંપત્ત્િ। જેટલી રકમ છે.

એનજીઓ ઓકસફેમ ઈન્ડિયાના રિપોર્ટ 'ઇનકવોલિટી કિલ્સ'માં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્ત્િ। વર્ષ ૨૦૨૧માં ૫૭.૩ લાખ કરોડની ટોચે પહોંચી ગઈ છે. ઓકસફેમે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન એજન્ડા સમિટના પહેલા દિવસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. દેશના ૧૪૨ અબજોપતિઓ પાસે સામૂહિક રીતે ૭૧૯ બિલિયન ડોલર્સ (રૂ. ૫૩ લાખ કરોડથી વધુ)ની સંપત્ત્િ। છે.

સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના ૯૮ અબજોપતિઓ પર વેલ્થ ટેકસમાં એક ટકાનો વધારો કરવામાં આવે તો દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમનો ખર્ચ સાત વર્ષથી વધુ સમય માટે નિકળી જશે.

જયારે દેશના ૧૦ સૌથી અમીર લોકો પર એક ટકાનો વધારાનો ટેકસ લગાવવામાં આવે તો ૧૭.૭ લાખ વધારાના ઓકિસજન સિલિન્ડર આપી શકાય છે. કોરોનાનાં બીજા વેવ દરમિયાન, જયારે દેશમાં ઓકિસજન સિલિન્ડરની ભારે અછત હતી, ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોની મફત સારવાર કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર ૨૦૨૦માં ૪.૬ કરોડથી વધુ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર વૈશ્વિક સ્તરે નવા ગરીબો માટે આ સંખ્યા લગભગ અડધી છે. ભારતમાં, ગરીબો અને વંચિતોની સરખામણીમાં ધનિકોને પ્રોત્સાહન આપતી અર્થવ્યવસ્થાના ભયંકર આર્થિક પરિણામો આવ્યા છે.

ઓકસફેમના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે રિપોર્ટ અસમાનતાની કઠોર વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે. આ અસમાનતા દરરોજ ૨૧,૦૦૦ લોકોને મૃત્યુ તરફ ધકેલી દે છે, અથવા દર ચાર સેકન્ડે એક વ્યકિતને મોતના મુખમાં ધકેલે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીએ લિંગ સમાનતાને ૯૯ વર્ષથી ૧૩૫ વર્ષ સુધી પાછળ ધકેલી દીધી છે. વર્ષ ૨૦૨૦માં મહિલાઓની સામૂહિક કમાણીમાં ૫૯.૧૧ લાખ કરોડનું નુકસાન થયું હતું. ૨૦૧૯ની સરખામણીમાં હવે ૧.૩ કરોડ ઓછી મહિલાઓ નોકરી કરે છે.

(3:14 pm IST)