Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડું ગોવાના દરિયાકાંઠે ત્રાટક્યું, પણજીમાં અસર દેખાઈ

ગુજરાત હાઈએલર્ટ ઉપર : કર્ણાટકમાં ભારે વરસાદને કારણે ચાર લોકોનાં મોત થયા, ઉપરાંત રાજ્યના કુલ ૭૩ ગામોને વાવાઝોડાની અસર

પણજી,તા.૧૬  :ચક્રવાતી તોફાન તૌકતે ગોવાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. પણજીમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. રવિવારે એટલે કે આજના દિવસે વાવાઝોડું મુંબઈથી પસાર થવાની સંભાવના છે. આ જોતા શનિવારે રાત્રે સેંકડો કોવિડ દર્દીઓને સલામત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. ઉપરાંત રાજ્યના કુલ ૭૩ ગામોને આની અસર થઈ છે.

           ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડાને પહોંચી વળવા રાજ્યમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ ગાંધીનગરના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવિજય કુમારસિંહે કહ્યું કે, ૨૪ ટીમો આજે સાંજ સુધીમાં પોતા તૈનાત થઈ જશે. તેમાંથી ૧૩ ટીમોને બહારથી મંગાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરતા શનિવારે રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને સંબંધિત અધિકારીઓને લોકોના સુરક્ષિત સ્થળે ખસેડવા તથા વીજળી, ટેલિકોમ, આરોગ્ય અને પીવાના પાણી જેવી આવશ્યક સેવાઓનું સંચાલન સુનિશ્ચિત કરવા સુચના આપી હતી.ચક્રવાત તોફાનની અસર હવાઈ સેવા ઉપર પણ જોવા મળી રહી છે. વિસ્તારાએ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હવામાનની શક્યતાને કારણે ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચી, બેંગલુરુ, મુંબઇ, પુણે, ગોવા અને અમદાવાદની ફ્લાઇટ્સ ૧૭ મે ૨૦૨૧ સુધી પ્રભાવિત થવાની આશંકા છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળી રહી છે અને કુલ ૭૩ ગામોને અસર થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ચાર લોકોનાં મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

(12:00 am IST)