Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

હવે ગૌતમ અદાણી ખરીદવા જઈ રહ્યા છે ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) ટમ્બ કંપનીઃ ૮૩૫ કરોડમાં ડીલ

ડીલ ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગો વધારવામાં મદદરૂપ થશે

નવી દિલ્હી, તા.૧૭: એશિયાના સૌથી અમીર વ્યકિત અને વિશ્વના ચોથા નંબરના સૌથી અમીર વ્યકિત ગૌતમ અદાણી એક પછી એક સેકટરમાં એન્ટ્રી લઈ રહ્યા છે. પોતાનો બિઝનેસ વધારવા માટે તેણે વધુ એક મોટો સોદો કર્યો છે. આ ડીલ ૮૩૫ કરોડ રૂપિયાની છે. આ અંતર્ગત અદાણી લોજિસ્ટિકસ હવે ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) ટમ્બ હસ્તગત કરવા જઈ રહી છે.
અદાણી પોર્ટ્સની પેટાકંપની અદાણી લોજિસ્ટિકસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે આ માહિતી શેર કરી છે. મંગળવારે, કંપની દ્વારા કહેવામાં આવ્યું કે તેણે ICD ટમ્બના અધિગ્રહણ માટે નવકાર કોર્પોરેશન સાથે ૮૩૫ કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, ICD Tumb સૌથી મોટા ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં સામેલ છે. તેની ક્ષમતા ૦.૫ મિલિયન અથવા ૫ લાખ TEU છે. ICD વ્યૂહાત્મક રીતે હજીરા પોર્ટ અને ન્હાવા શેવા બંદર વચ્ચે સ્થિત છે.
કંપનીએ કહ્યું કે આ ડીલ ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગો વધારવામાં મદદરૂપ થશે. કંપનીએ જણાવ્યું હતું કે Tumb ICD પાસે વેસ્ટર્ન ડીએફસી સાથે જોડાયેલ ચાર રેલ હેન્ડલિંગ લાઈનો સાથે ખાનગી ફ્રેઈટ ટર્મિનલ છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ)ના સીઈઓ કરણ અદાણીએ આ ડીલ વિશે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી આઈસીડીમાંની એક ટમ્બનું અધિગ્રહણ અમારી યોજનાઓને મજબૂતી આપશે.
આ એકિવઝિશન ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી ટ્રાન્સફોર્મેશન વ્યૂહરચનાને પૂરક બનાવશે અને અમારા ગ્રાહકોને આર્થિક રીતે ઘરે-ઘરે સેવાઓ પૂરી પાડવાના અમારા ઉદ્દેશ્યની નજીક લઈ જશે, એમ તેમણે ઉમેર્યું.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યકિત જ નહીં પરંતુ વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યકિત પણ છે. ફોર્બ્સની રિયલ ટાઈમ યાદી અનુસાર, ઼૧૩૪.૬ બિલિયનની નેટવર્થ સાથે, અદાણી બિલ ગેટ્સ અને વોરેન બફે જેવા અબજોપતિઓ કરતાં આગળ છે. આ સિવાય અદાણી ગ્રુપના ચેરમેન કમાણીના મામલામાં વિશ્વના સૌથી અમીર ઈલોન મસ્ક સહિત અન્ય અબજોપતિઓ કરતા પણ આગળ છે.
અદાણી (ગૌતમ અદાણી) ટોપ-૧૦ ધનિકોની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ જે ગતિએ વધી રહી છે તે જોતાં દેશ આ સંભાવનાને નકારી શકતું નથી કે તે ટૂંક સમયમાં દેશના ત્રીજા સૌથી ધનિક વ્યકિત બની શકે છે.
તાજેતરમાં જ સરકારે ગૌતમ અદાણીને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તેમને આપવામાં આવેલી સુરક્ષાનો ખર્ચ તે પોતે ઉઠાવશે. IBના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે MHAએ અદાણી ગ્રુપના ચેરમેનને આ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીએ પોતાનો બિઝનેસ વિસ્તારીને સિમેન્ટ સેકટરમાં દસ્તક આપ્યા બાદ સ્ટીલ સેકટરમાં આવવાની તૈયારી કરી લીધી છે

 

(11:30 am IST)