Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

આરોગ્‍ય મંત્રાલય નવી કોરોના વેક્‍સિન નહીં ખરીદે : રૂ.૪૨૩૭ કરોડ પરત

કોરોનાના કેસો ઘટતા લોકોમાં વેક્‍સિન લેવાનું પ્રમાણ ઘટયું : નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કોરોના વેક્‍સિન માટે ૫૦૦૦ કરોડનું બજેટ ફાળવાયું હતું તે પૈકી ૮૫ ટકા રકમ પરત કરાઇ

નવી દિલ્‍હી, તા.૧૭: સરકારનો કોવિડ રસીકરણ કાર્યક્રમ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આરોગ્‍ય મંત્રાલયે વધુ વેક્‍સિન નહીં ખરીદવા અને રસીકરણ માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફાળવાયેલા બજેટની ૮૫ ટકા રકમ એટલે કે ૪૨૩૭ કરોડ રૂપિયા નાણા મંત્રાલયમાં જમા કરાવવામાં આવ્‍યા છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર કેન્‍દ્ર અને રાજય સરકારો પાસે હજુ વેક્‍સિનના ૧.૮ કરોડ ડોઝનો જથ્‍થો છે જે ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેલા સાડા પાંચ મહિના માટે પૂરતા છે. બીજી તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણ લોકોમાં કોરોના વેક્‍સિન લેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે.

આ ઉપરાંત જો સરકારનો સ્‍ટોક પૂર્ણ થઇ જાય તો પણ બજારમાં કોરોના વેક્‍સિન ઉપલબ્‍ધ છે. એક સરકારી અધિકારીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે નવા નાણાકીય વર્ષમાં દેશમાં કોરોના વાઇરસની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સરકારી ચેનલના માધ્‍યમથી કોવિડ વેક્‍સિન ખરીદવી અથવા અલગથી બજેટ ફાળવવો તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે ૧૬ જાન્‍યુઆરીએ રાષ્ટ્રવ્‍યાપી કોરોના રસીકરણ અભિયાન શરૃ કર્યુ હતું. લોકોને મફતમાં વેક્‍સન આપવા માટે કેન્‍દ્ર સરકાર રાજયો તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશોને મદદ કરી રહી છે.

કોરોનાના કેસો ઘટવાને કારણે લોકોમાં કોરોનાની વેક્‍સિન લેવાનું પ્રમાણ ઓછું થઇ ગયું છે. બીજી તરફ સરકાર તમામ પુખ્‍ત વયના તમામ લોકોને મફતમાં બુસ્‍ટર ડોઝ આપવા માટે ૭૫ દિવસનું કોવિડ વેક્‍સિનેશન અમૃત મહોત્‍સવ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કોરોના રસીકરણ અભિયાન માટે ૫૦૦૦ કરોડ રૃપિયાનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે. જે પૈકી આરોગ્‍ય મંત્રાલયે ૪૨૩૭ કરોડ રૃપિયા એટલે કે ૮૫ ટકા રકમ નાણા મંત્રાલયને પરત કરી દીધી છે. અત્‍યાર સુધીમાં દેશમાં કોરોનાના વેક્‍સિનના ૨૧૯.૩૨ કરોડ ડોઝ આપવામાં આવ્‍યા છે.

(10:04 am IST)