Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ઈલેક્‍ટ્રોનિક્‍સ માર્ટ ઈન્‍ડિયાના શેરનું ૫૨ ટકા પ્રીમિયમે ધમાકેદાર લિસ્‍ટિંગઃ શેર સીધો ૯૦ રૂપિયા થયો

રોકાણકારોને બહુ ઓછા દિવસોમાં જંગી કમાણી કરવાની તક મળી છે

મુંબઇ, તા.૧૭: ઈલેક્‍ટ્રોનિક્‍સ માર્ટ ઈન્‍ડિયાના શેરનું આજે બજારમાં ધમાકેદાર લિસ્‍ટિંગ થયું છે અને શેર સીધો ૫૨ ટકા વધીને રૂ. ૯૦ પર લિસ્‍ટ થયો છે. આ શેર માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) સારું એવું ચાલતું હતું ત્‍યારથી તેના આકર્ષક લિસ્‍ટિંગનો અંદાજ હતો. શેર આટલો ઉંચે ખુલશે તેની કદાચ ધારણા ન હતી. આ લખાય છે ત્‍યારે BSE પર શેર ૪૯ ટકા વધીને રૂ. ૮૮ પર ચાલતો હતો. આજે લિસ્‍ટિંગ થયું તે અગાઉ કેટલાક એક્‍સપર્ટ માનતા હતા કે શેર બહુ ધમાકેદાર નહીં વધે પરંતુ ડિસન્‍ટ લિસ્‍ટિંગ થશે. ઈલેક્‍ટ્રોનિક્‍સ માર્ટના શેરને B ગ્રૂપના સ્‍ટોક્‍સમાં મુકવામાં આવ્‍યા છે. એક્‍સપર્ટ્‍સના માનવા પ્રમાણે ઈલેક્‍ટ્રોનિક્‍સ માર્ટ (Electronics Mart India)નો IPO વાજબી ભાવે આવ્‍યો હતો જેના કારણે રોકાણકારોને તેમાં મૂડી રોકવામાં ભરોસો પડ્‍યો હતો. આ કંપની જે સેક્‍ટરમાં કામ કરે છે તેમાં ગ્રોથની શકયતા પણ વધારે છે અને તે ચોક્કસ બજારોમાં તેનો બજાર હિસ્‍સો સતત વધારી રહી છે. આ શેરની ફાળવણી થયા પછી તેમાં લગભગ ૩૦ રૂપિયાનું પ્રીમિયમ ચાલતું હતું તેથી શેર વધશે તેવી ધારણા પહેલેથી હતી. ઈલેક્‍ટ્રોનિક્‍સ માર્ટના ઈશ્‍યુને રોકાણકારો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્‍યો હતો. આ ઈશ્‍યૂ લગભગ ૭૨ ગણો સબ્‍સ્‍ક્રાઇબ થયો હતો. આ કંપનીએ IPO વખતે રૂ.૫૯ના ભાવે તેના શેર ઈશ્‍યૂ કર્યા હતા.

(3:27 pm IST)