Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

આજથી નરેન્‍દ્રભાઇના હસ્‍તે દેશના 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રોનો પ્રારંભ

આ કેન્‍દ્ર માત્ર ખાતરની ખરીદી કે વેંચાણ નહીં પરંતુ ખેડૂતોને જરૂરિયાતના સમયે મદદ કરશે

નવી દિલ્‍હીઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે આજથી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રોનો પ્રારંભ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થામાં પીએમ કિસાન સમ્માન સમ્મેલનનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો માટે 16 હજાર કરોડ રૂપિયાનો 12મો હપ્તો જાહેર કર્યો હતો. દિવાળી પહેલા પીએમ મોદીએ ખેડૂતોને આ ભેટ આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજનાનો પ્રારંભ પણ કર્યો હતો.

પીએમ મોદી દ્વારા હપ્તો જાહેર કરતા જ દેશના 11 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ પહોચી ગઇ છે. બીજી તરફ પીએમ કિસાન સમ્માન સમ્મેલન 2022 આયોજનને જોવા માટે દેશભરના 13,500થી વધારે ખેડૂત દિલ્હી પહોચ્યા છે. આ સાથે જ લગભગ 1500 કૃષિ સ્ટાર્ટઅપ પણ અહી હાજર છે.

પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજનાના પ્રારંભ સાથે જ દેશભરમાં 600થી વધારે ખેડૂત સમૃદ્ધિ કેન્દ્રોની શરૂઆત થઇ હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ, આજે દેશમાં 600થી વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની શરૂઆત થઇ રહી છે. કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખેડૂતો માટે માત્ર ખાતર ખરીદ અને વેચાણનું કેન્દ્ર નથી, આ એક સંપૂર્ણ રીતે ખેડૂત સાથે ઘનિષ્ઠ સબંધ જોડનાર, તેની દરેક જરૂરીયાતમાં મદદ કરનારૂ કેન્દ્ર છે.

પીએમ મોદીએ કહ્યુ, વન નેશન, વન ફર્ટિલાઇઝરથી ખેડૂતને દરેક રીતના ભ્રમથી મુક્તિ મળવાની છે અને સારા ખાદ્ય પણ ઉપલબ્ધ થવાના છે. દેશમાં હવે એક જ નામ, એક જ બ્રાંડથી અને એક સમાન ગુણવત્તા ધરાવતા યૂરિયાનું વેચાણ થશે. આ બ્રાંડ છે- ભારત. નૈનો યૂરિયા, ઓછા ખર્ચમાં વધારે પ્રોડક્શનનું માધ્યમ છે, જેને એક બોરી યૂરિયાની જરૂરત લાગે છે તે કામ હવે નૈનો યૂરિયાની એક નાની બોટલથી થઇ જાય છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો કમાલ છે. મહત્વપૂર્ણ છે કે પીએમ કિસાન સમ્માન નિધિ પ્રાપ્ત કરવા માટે ઇકેવાઇસી કરાવવુ જરૂરી છે.

શું છે કિસાન સમૃદ્ધિ કેન્દ્ર?

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખેડૂતોને એક છત નીચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ખોલવામાં આવ્યું છે. કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાંથી ખેડૂતો ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ખેતીના સાધનો, મશીનરી વગેરે ભાડેથી ખરીદી શકશે. આ સાથે કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં ખેડૂતોને સરકારી યોજનાઓ વિશે પણ જાગૃત કરવામાં આવશે. દર મહિને કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કૃષિ પરામર્શ આપવામાં આવશે.

(5:54 pm IST)