Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે:કાયદા મંત્રી રિજીજૂએ ટ્વીટ કરીને જાણકારી આપી

--- જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ (ડીવાય ચંદ્રચૂડ) અમેરિકાની હાર્વડ લૉ સ્કૂલમાંથી જ્યૂરિડિકલ સાયન્સમાં પીએચડી કર્યુ

નવી દિલ્હી: જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. કાયદા મંત્રી કિરણ રિજીજૂએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ જસ્ટિસ ડૉ. ડી.વાય. ચંદ્રચુડને 9 નવેમ્બર 2022થી પ્રભાવી રીતે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યૂયૂ લલિતે પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ચંદ્રચૂડ દેશના 50માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત 8 નવેમ્બરે સેવા નિવૃત થઇ રહ્યા છે.

 

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ (ડીવાય ચંદ્રચૂડ) અમેરિકાની હાર્વડ લૉ સ્કૂલમાંથી જ્યૂરિડિકલ સાયન્સમાં પીએચડી કર્યુ છે. બૉમ્બે હાઇકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. 1998માં તેમણે ભારત સરકારમાં એડિશન સૉલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૂન 2000માં બૉમ્બે હાઇકોર્ટના જજ બન્યા. ઓક્ટોબર 2013માં ઇલાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા હતા.

ત્યાથી મે 2016માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા. જસ્ટિસ ચંદ્રચૂડ એવી કેટલીક બેંચનો ભાગ રહ્યા છે જેમણે સમાજ સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણય આપ્યા છે.

6 સપ્ટેમ્બર 2018માં જસ્ટિસ ચંદ્રચૂડ તે બંધારણીય બેંચનો ભાગ હતા જેમણે સમલૈગિક સેક્સને ગેરકાયદેસર ગણાવતી IPCની કલમ 377ને ગેરબંધારણીય ગણાવી હતી.

આટલુ જ નહી, જસ્ટિસ ચંદ્રચૂડે પ્રાઇવેસીના અધિકારને પણ ભારતીય નાગરિકોનો બંધારણીય અધિકાર ગણાવતો નિર્ણય આપ્યો હતો

આ સિવાય સપ્ટેમ્બર 2018માં જસ્ટિસ ચંદ્રચૂડે વ્યાભિચાર (એડલટ્રી)ને કાયદેસર ગુનો ગણાવનારી IPCની કલમ 497ને પણ ગેરબંધારણીય જાહેર કરી હતી. ખાસ વાત આ છે કે આ એડલટ્રી વિરૂદ્ધ કલમ 497ને 1985માં જસ્ટિસ ચંદ્રચૂડના પિતા જસ્ટિસ વાઇવી ચંદ્રચૂડે જ બંધારણીય ગણી હતી.

(7:51 pm IST)