Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભારતના આ રેલવે સ્ટેશન પર જવા માટે જોઈએ પાકિસ્તાનના વિઝા !!!

અચરજ પમાડતી હકીકત

નવી દિલ્હી, તા.૧૭: તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ બીજા દેશમાં જઈએ તો તેના માટે વિઝાની જરૂર પડે છે. વિઝા વગર તમે ભૂલેચૂકે કોઈ દેશમાં પ્રવેશી શકો નહીં. પરંતુ જો આપણા જ દેશમાં કોઈ જગ્યા પર જવા માટે તમારે વિઝાની જરૂર પડે તો તમને પણ નવાઈ લાગશે.

આવી જ એક જગ્યા ભારતમાં છે જ્યાં જવા માટે તમારી પાસે પાકિસ્તાનના વિઝા હોવા જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમારી પાસે પાકિસ્તાનના વિઝા ન હોય અને ભૂલથી પણ તમે આ જગ્યાએ જશો તો તમારે જેલમાં જવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત ભારે ભરખમ દંડ પણ ભરવો પડી શકે છે.

આ જગ્યા છે ભારતમાં આવેલું એક રેલવે સ્ટેશન. આ અનોખુ રેલવે સ્ટેશન અટારી રેલવે સ્ટેશન છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમારે તમારા જ દેશમાં આવેલા આ રેલવે સ્ટેશન પર જવા માટે પાકિસ્તાનના વિઝા જરૂરી છે. એટલે કે જો તમે પાકિસ્તાનના વિઝા વગર આ રેલવે સ્ટેશન પર જાઓ તો ગેરકાયદેસર ગણાશે.

અટારી દેશનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરકન્ડીશનર રેલવે સ્ટેશન છે. તે પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે. અહીં ૨૪ કલાક ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓનો ઘેરો રહે છે. જો આ સ્ટેશન પર આવનારા વ્યકિત પાસે પાકિસ્તાનના વિઝા ન હોય તો તેના વિરુદ્ધ ૧૪ ફોરેન એકટ હેઠળ મામલો દાખલ થઈ શકે છે. આ એકટ હેઠળ મામલો દાખલ થાય તો જામીન મળવા મુશ્કેલ બની જાય છે.

આ એ જ રેલવે સ્ટેશન છે જ્યાંથી દેશની સૌથી વીઆઈપી ટ્રેન સમજૌતા એકસપ્રેસ પાકિસ્તાન માટે રવાના થાય છે. સૌથી ખાસ વાત એ છે કે અટારી રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેન ચલાવવા માટે મુસાફરો પાસેથી મંજૂરી લેવામાં આવે છે. અહીં રેલવે ટિકિટ ખરીદવા પર મુસાફરોએ પાસપોર્ટ નંબર આપવો પડે છે. જો આ રેલવે સ્ટેશન પર ટ્રેન લેટ પડે તો ભારત અને પાકિસ્તાન બંને દેશોના રજિસ્ટરમાં તેની એન્ટ્રી થાય છે.

(3:49 pm IST)