Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

યોગી સરકારનો દાવો

કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનની અછતના કારણે એક પણ મોત નથી થયું

લખનઉ,તા.૧૭: ઉત્ત્।ર પ્રદેશ સરકારે ગઇ કાલે વિધાનપરિષદને જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં રાજયમાં ઓકિસજનની અછતના કારણે  એક પણ મોત થયું નથી. આ નિવેદનની સાથે યોગી સરકારે વિપક્ષના દાવાઓને ફગાવ્યા હતા. યોગી સરકારે કહ્યું કે ડેથ સર્ટિફિકેટમાં મહામારીના કારણે મરનારા ૨૨,૯૧૫ દર્દીઓમાંથી એક પણનું ઓકિસજનની અછતના કારણે મોત થયાનો ઉલ્લેખ નથી. પ્રશ્નકાળ દરમિયાન કોગ્રેસ સભ્ય દીપક સિંહને જવાબ આપતા સ્વાસ્થ્યમંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું કે- રાજયમાં બીજી લહેર દરમિયાન ઓકિસજનની અછતના કારણે કોઇના પણ મોતના સમાચાર નથી.

ગૃહમાં એક સવાલ પૂછતા કોગ્રેસના ધારાસભ્ય દીપકે પૂછ્યું હતું કે અનેક મંત્રીઓએ પત્ર લખીને કહ્યું હતું કે રાજયમાં ઓકિસજનની અછતના કારણે મોત થઇ રહ્યા છે. તે સિવાય અનેક સાંસદોએ આ અંગેની ફરિયાદો કરી હતી. ઓકિસજનની અછતના કારણે મોતની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. શું આખા રાજયમાં આ મોત અંગે સરકાર પાસે કોઇ જાણકારી છે. શું સરકારે ગંગામાં વહેતા મૃતદેહો અને ઓકિસજનની અછતથી પીડિત લોકોને જોયા નથી?

સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપે સ્પષ્ટતા કહ્યું કે હોસ્પિટલમાં ભરતી દર્દીના મોતની સ્થિતિમાં ડોકટર ડેથ સર્ટિફિકેટ આપે છે. રાજયમાં કોરોનાથી પીડિતો માટે ડોકટરો દ્ઘારા જાહેર કરાયેલા ૨૨,૯૧૫ ડેથ સર્ટિફિકેટોમાં કયાંય પણ ઓકિસજનની અછતના કારણે મોતનો કોઇ ઉલ્લેખ નથી. મહામારી દરમિયાન અનેક મોત અન્ય બીમારીઓના કારણે થઇ હતી. સરકારે અછત હોવા પર અન્ય રાજયો પાસેથી ઓકિસજનની વ્યવસ્થા કરી હતી.

(10:11 am IST)