Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

બાંગ્લાદેશનુ પ્રતિનિધિ મંડળ ભારતમાં :દિલ્હીમાં ખાસ “સ્વર્ણિંમ વિજય વર્ષ સ્પેશ્યિલ ” ટ્રેનનો કરાવ્યો પ્રારંભ

બાંગ્લાદેશને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સૈન્યના અધિકારીઓ ભારતની મુલાકાતે

નવી દિલ્હી : બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સશસ્ત્ર દળના અધિકારીઓ ભારતની મુલાકાતે છે. દેશમાં હાલ સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી ચાલી રહી છે. વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતના વિજયને 50 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ જયંતિના અવસરની આ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશથી આ પ્રતિનિધિ મંડળ ભારત આવ્યુ છે. બાંગ્લાદેશના આ પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતેથી ખાસ “સ્વર્ણિંમ વિજય વર્ષ સ્પેશ્યિલ ” ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો

નવી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી આગ્રા જવા માટે “સ્વર્ણિંમ વિજય વર્ષ સ્પેશ્યિલ ” ટ્રેનને લેફ્ટેનન્ટ જનરલ એ. કે. સિંઘ અને ઉત્તર રેલવે જનરલ મેનેજર આશુતોષ ગંગલે સંયુકત રીતે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતુ. બાંગ્લાદેશનુ આ પ્રતિનિધિ મંડળ આગ્રામાં તાજમહેલ અને અજમેર શરીફ દરગાહની મુલાકાત પણ લેશે. બાંગ્લાદેશના પ્રતિનિધિ મંડળની આ મુલાકાતમાં બાંગ્લાદેશના “મુક્તિ જાેધા” એટલે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ સાથે છે. બાંગ્લાદેશની પ્રતિનિધિ મંડળની આ મુલાકાત એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 1971ના યુદ્ધમાં અપાયેલા યોગદાન અને બલિદાનની બાંગ્લાદેશ દ્વારા સ્વીકૃતિ છે. આ મુલાકાત બંને દેશ વચ્ચેના સૈન્ય સહયોગ અને મિત્રતાને વધુ મજબુત બનાવનાર બની રહેશે.

(7:38 pm IST)