Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો: સોનાના ભંડારમાં વધારો

વિદેશી મુદ્રા ભંડાર ૭.૭ કરોડ ડોલર ઘટીને ૬૩૫.૮૨૮ બિલિયન ડોલર થઈ ગયું

મુંબઈ : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે.  વિદેશી ચલણની અસ્કયામતોમાં ઘટાડો થવાને કારણે અનામતમાં ઘટાડો નોંધાયો હતો, જોકે ગયા સપ્તાહના ઘટાડા બાદ આ સપ્તાહે સોનાના ભંડારમાં વધારો જોવા મળ્યો છે.

રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ૧૦ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ૭.૭ કરોડ ડોલર ઘટીને ૬૩૫.૮૨૮ બિલિયન ડોલર થઈ ગયું છે. આ અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૧.૭૮૩  બિલિયન ડોલર ઘટીને ૬૩૫.૯૦૫ બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. સપ્તાહ દરમિયાન સૌથી મોટો ઘટાડો ફોરેન કરન્સી એસેટ્સમાં નોંધાયો હતો.  સપ્તાહ દરમિયાન સંપત્તિમાં ૩૨૧ મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

દેશની વિદેશી અનામતના તાજેતરના આંકડામાં ઘટાડો થયો હોવા છતાં, અનામત હજુ પણ તેના ઉચ્ચ સ્તરે છે.  કોવિડના સમયથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર વધારો થયો છે.  ૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ રોજ પૂરા થતા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૬૪૨.૪૫૩ બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું.  હાલમાં સ્ટોક આ સ્તરની નજીક છે.  દેશની વર્તમાન અનામત દોઢ વર્ષથી વધુ સમયની આયાત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે.  વિશ્વની ઘણી મોટી બ્રોકિંગ એજન્સીઓએ કોવિડના દબાણ વચ્ચે ભારતના ઉચ્ચ ચલણ ભંડારને મોટી સુરક્ષા ગણાવી છે.  અર્થવ્યવસ્થામાં દબાણ વચ્ચે ફોરેક્સ રિઝર્વ પણ ભારતના રેટિંગને અસર ન થવાનું એક મહત્વનું કારણ હતું.

(10:20 pm IST)