Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

પાકિસ્તાનથી વિસ્ફોટક સામગ્રી દરિયાઈ માર્ગે ગુજરાત અને જમીનમાર્ગે યુપી પહોંચી

ગાઝીપુરમાં તાજેતરમાં મળેલું ઇમ્પ્રૂવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસ પાકિસ્તાનના ૨૪ બોમ્બના કન્સાઇનમેન્ટનો એક ભાગ હતું

નવી દિલ્હી, તા.૧૮: દિલ્હી પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં જાણકારી મળી છે કે ગાઝીપુરની ફ્લાવર માર્કેટમાં તાજેતરમાં મળેલું ઇમ્પ્રૂવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસ વાસ્તવમાં પાકિસ્તાનના ૨૪ બોમ્બના કન્સાઇનમેન્ટનો એક ભાગ હતું, જેને પાકિસ્તાનમાં આતંકવાદીઓના નેટવર્ક દ્વારા સરહદપાર જમીન દ્વારા કે દરિયાઈ માર્ગે સ્થાનિક આતંકવાદીઓને મોકલવામાં આવ્યું હતું. અન્ય વિસ્ફોટક સામગ્રી તાજેતરમાં જમ્મુ-કાશ્મીર, ઉત્ત્।ર પ્રદેશ અને પંજાબમાંથી જપ્ત કરવામાં આવી હતી, જે પણ આ જ કન્સાઇનમેન્ટનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે કેટલીક વિસ્ફોટક સામગ્રીનું કદાચ ગુજરાત અને ઉત્ત્।ર પ્રદેશમાં પણ સ્મગલિંગ કરવામાં આવ્યું છે.

નોંધપાત્ર છે કે ઉત્તર પ્રદેશના બાંદાના છિલ્લા વિસ્તારમાંથી રવિવારે ૨૮ કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. છિલ્લા પોલીસ સ્ટેશનના એસએચઓ નરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીઓમાં આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થવાનો હતો.

દિલ્હી પોલીસના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'ગાઝીપુરમાં ટિફિન બોમ્બ મૂકવામાં આવ્યો હતો, જેમાં કોર ચાર્જ તરીકે ત્રણ કિલો આરડીએકસ અને સેકન્ડરી ચાર્જ તરીકે એમોનિયમ નાઇટ્રેટ હતો. અહીં વિસ્ફોટક સામગ્રી સ્ટીલના ટિફિનમાં મૂકવામાં આવી હતી.'

આ વિસ્ફોટક સામગ્રી સરહદપારથી ઇન્ડિયામાં સ્લીપર મોડ્યુલ્સની સાથે કેટલીક ક્રિમિનલ ગેન્ગ્સને પણ પહોંચાડવામાં આવી હતી. મુંબઈ, લખનઉ, અલાહાબાદ અને દિલ્હીમાં કેટલાક લોકોની ધરપકડની સાથે સપ્ટેમ્બર ૨૦૨૧માં દિલ્હી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા એક ટેરર મોડ્યુલની આ ઇમ્પ્રૂવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસની રિકવરીની સાથે લિન્ક છે.

દિલ્હી પોલીસના અધિકારીઓ માને છે કે આ ઇમ્પ્રૂવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસનું કન્સાઇનમેન્ટ ગયા ઇન્ડિપેન્ડન્સ ડે દરમ્યાન ભારતમાં આવ્યું હતું. સંખ્યાબંધ ઇમ્પ્રૂવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસ દરિયાઈ માર્ગે ગુજરાતમાં અને જમીન માર્ગે યુપીમાં પહોંચ્યાં છે.

એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે 'ઇન્ડિયામાં કટ્ટરવાદી તત્ત્વોને પહેલાંથી નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ્સ પર આ ડિવાઇસિસ પ્લાન્ટ કરવા કે પછી એ કામગીરી કરવા માટે ક્રિમિનલ એલિમેન્ટ્સનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે.'

(2:58 pm IST)