Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ચાયવાલીઃ ૨ વર્ષની સખત મહેનત બાદ પણ બેંકની પરીક્ષા પાસ ન કરી શકતાં યુવતીએ ખોલી ચાની લારી

૧૧ એપ્રિલના રોજ પ્રિયંકાએ પટનાની મહિલા કોલેજની બહાર પોતાની ચાની લારી શરૂ કરી હતી અને આજે તે ચાની લારી શરૂ કરીને ખુબ જ ખુશ છે

પટણા, તા.૧૮: વર્ષ ૨૦૧૪થી દેશના રાજકારણમાં ‘ચાય પે ચર્ચા'એ અને ‘ચાય પે ચર્ચા' એ સામાન્‍ય બાબત બની ગઈ છે. પણ બિહારના પટનાના પુર્નિયાની ૨૪ વર્ષીય ઈકોનોમિક્‍સ ગ્રેજયુએટ ‘ચાયવાલી' આજકાલ ચર્ચામાં છે. ૨૪ વર્ષની આ યુવતી પટનાની મહિલા કોલેજની બહાર ચાની લારી લઈને ચા તેમજ કૂકી વેચે છે. તે છેલ્લા બે વર્ષથી સરકારી બેંકની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહી હતી. પણ બેંકની પરીક્ષામાં પાસ કરવામાં નિષ્‍ફળ રહેતાં ૨૪ વર્ષીય યુવતીએ ચાની દુકાન શરૂ કરી દીધી હતી.

૨૪ વર્ષીય પ્રિયંકા ગુપ્તા, કે જે પોતાના આ બિઝનેસને આત્‍મનિર્ભર ભારત તરફ પ્રથમ પગલું ગણાવે છે, તેણે ૧૧ એપ્રિલના રોજ ચાની લારી શરૂ કરી હતી. અને આજે આ અનોખી ચાયવાલીને જોઈ સારી સંખ્‍યામાં ગ્રાહકો પણ ચા પીવા માટે આવી રહ્યા છે. પ્રિયંકાએ વારાણસીની મહાત્‍મા ગાંધી કાશી વિદ્યાપીઠમાંથી ગ્રેજયુએશન કરેલું છે. પ્રિયંકાએ પોતાની લારી ઉપર આકર્ષક પંચલાઈન પણ લખી છે. જેમ કે, ‘પીના હી પડેગા', ‘સોચ મત... ચાલુ કર દે'. પ્રિયંકાએ જણાવ્‍યું કે, અગાઉ હું એવી છોકરી હતી કે, જે સૂર્યપ્રકાશથી દૂર ભાગતી હતી. અને આજે હું એક સફળ ચાયવાલીના દ્રઢ નિશ્‍ચય સાથે આકરી ગરમી વચ્‍ચે પણ દિવસભર ઉભી રહું છું.

પ્રિયંકાએ જણાવ્‍યું હતું કે, એમબીએ ચાયવાલાથી આજે દુનિયાભરમાં ઓળખાતા પ્રફુલ બિલોરે તેના આદર્શ છે. હું તેમના પ્રેરણાત્‍મક વિડીયો જોતી હતી અને તેમની બાયોગ્રાફી વાંચી હતી. અને ત્‍યારબાદ મેં એક ચાયવાલી બનવાનું નક્કી કર્યું હતું. આ વર્ષે ૩૦ જાન્‍યુઆરીના રોજ પિતા પાસેથી ભણવાની મંજૂરી લઈને હું પટના આવી હતી. મને ખબર હતી કે, હું જો મારા લક્ષ્યની જાણ મારા પિતાને કરતી તો, તે મને ક્‍યારેય પણ પટના આવવા દેતાં નહીં. જેથી કરીને મેં તેમને મારા પ્‍લાન વિશે જણાવ્‍યું ન હતું. મેં અલગ-અલગ ચાની લારીઓની મુલાકાત લીધી અને ચા બનાવવા માટેની અલગ-અલગ ટેકનિક અંગે જાણકારી મેળવી હતી.

જો કે, એક નાની ચાની લારી ખોલવી પણ પ્રિયંકા માટે ખુબ જ મોટી ચેલેન્‍જ હતી. પ્રિયંકાએ કહ્યું કે, હું કેટલીય બેંક પાસે ગઈ હતી અને પીએમ મુંદ્રા લોન આપવા માટે માગ કરી હતી. પણ બેંકોએ લોન આપવાની ના પાડી દીધી હતી. કેટલીક બેંક દ્વારા ઈન્‍કમ ટેક્‍સ રિટર્ન, બિઝનેસ પ્રૂફ, લોકલ રેસિડેન્‍ટ પ્રૂફ, બિઝનેસ પ્રપોઝલ સહિતના કાગળિયા માગવામાં આવતા હતા.

આકરી ગરમીમાં દોઢ મહિના સુધી બેંકોના ધક્કા બાદ પણ હું નિઃસહાય અનુભવ કરતી હતી, પણ મેં મારી હિંમત હારી ન હતી અને મારા પ્રયાસો ચાલુ રાખ્‍યા હતા. પણ માર્ચ ૨૧ના રોજ મારા એક મિત્રએ મને ૩૦ હજાર રૂપિયા આપ્‍યા હતા. જે બાદ મેં ૧૨,૫૦૦ રૂપિયાની ચાની લારી અને અન્‍ય સામાનની ખરીદી કરી હતી. અને અંતે ચહેરા પર એક મોટી સ્‍માઈલ સાથે પ્રિયંકાએ કહ્યું કે, ૧૧ એપ્રિલના રોજ આખરે પટના મહિલા કોલેજની બહાર મારી ચાની લારી શરૂ કરી દીધી હતી.

(10:55 am IST)