Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ખિચડી ખારી બની તો પતિ થયો કાળઝાળઃ પત્‍નીનું ગળું દબાવી કરી હત્‍યા

મુંબઇ,તા. ૧૮:  મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભાયંદર બસ્‍તીમાં એક સનસનીખેજ મામલો સામે આવ્‍યો છે. મળતી માહિતી મુજબ ભોજનમાં વધુ મીઠું હોવાથી નારાજ પતિએ પત્‍નીની હત્‍યા કરી નાખી હતી. પોલીસ તરફથી કહેવામાં આવ્‍યું છે કે, ભાઈંદર પૂર્વના ફાટક રોડ વિસ્‍તારમાં શુક્રવારે સવારે નાસ્‍તામાં બનાવવામાં આવેલી ખીચડીમાં વધુ પડતું મીઠું નાખવાને કારણે એક વ્‍યક્‍તિએ તેની પત્‍નીની હત્‍યા કરી હતી. મીરા ભાઈંદર-વસઈ વિરાર પોલીસને જણાવવામાં આવ્‍યું હતું કે નીલેશ ઘાઘ નામના ૪૬ વર્ષીય વ્‍યક્‍તિએ સવારે ૯.૩૦ વાગ્‍યે તેની પત્‍ની નિર્મલાનું ગળું દબાવી હત્‍યા કરી હતી.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને મહિલાના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્‍ટમોર્ટમ માટે સ્‍થાનિક સરકારી હોસ્‍પિટલમાં મોકલી આપ્‍યો હતો. આ ઉપરાંત તે વ્‍યક્‍તિ વિરુદ્ધ ભાઈંદરના નવઘર પોલીસ સ્‍ટેશનમાં આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે.

નોંધનીય છે કે ગુરુવારે આવી જ એક ઘટના બની હતી જયાં સમયસર ચાની સાથે નાસ્‍તો ન આપવા બદલ ગુસ્‍સે થયેલા સસરાએ પુત્રવધૂને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્‍યું હતું કે રાબોડી વિસ્‍તારની રહેવાસી ૪૨ વર્ષીય મહિલાને પેટમાં ગોળી વાગી હતી અને શુક્રવારે સવારે ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ થયું હતું.

(10:56 am IST)