Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પરમ ઉલ્લાસ ભક્તિભાવ પૂર્વક સંપન્ન...*

*વિશ્વશાંતિ યજ્ઞ યોજાયો...*

ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ કે જેનું મૂળ નામ *"કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા"* છે, તે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનો એક ઓસ્ટ્રેલિયા ખંડનો મહદ અંશ છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું પાટનગર પર્થ છે. પશ્ચિમની રાજધાની ઓસ્ટ્રેલિયા, પર્થ *"વિશ્વ પરનું સૌથી અલગ શહેર"* નું બિરુદ ધરાવે છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પર્થ, બેઝવોટર શહેરના એમ્બલટન વિસ્તારમાં ઇરવીન રોડ ઉપર મંદિર આવેલું છે.

 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ ભૂમિ પર પધારી સત્સંગના બીજ રોપ્યાં હતા. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અવિરત વિચરણથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.

 

વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજની પ્રેરણાથી શિખરબંધ મંદિર તૈયાર થતાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે "શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ" અવસરે સંગેમરમરનાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વાચનમૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા, વિશ્વશાંતિ યજ્ઞ તથા વિશ્વના તમામ મનુષ્યો તેમજ પ્રાણીમાત્ર સુખી રહે તે માટે પ્રાર્થના, ષોડશોપચારથી પૂજન, અર્ચન, ધજા આરોહણ, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.

 

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના *પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે* અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. સંપ કેળવાય, ભાતૃભાવ કેળવાય, તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યસહીત ભક્તિના પાઠો ભણાવવા માટે મંદિરનું નિર્માણ જરૂરી છે. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે. મંદિરોથી સંસ્કાર વધે છે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. વડીલો, વૃદ્ધોએ, ખાસ નાનાં બાળકોને પોતાની પાસે બેસાડીને રમત ગમતમાં સંસ્કાર આપવાનાં, મંદિરનાં દર્શને લાવવાના, આ ફરજ દાદા દાદીની થાય છે. પછી માતા પિતાની ફરજ બને છે કે રોજ મંદિરે દર્શન કરવા મોકલવા. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે.

 

સમગ્ર શહેરમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનાં ઓનલાઇન દર્શનનો લ્હાવો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા.

 

પૂજનીય સંતોનાં માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી આ ઉત્સવ ભક્તિ-ભાવપૂર્વક સંપન્ન થયો.

(10:59 am IST)