Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

૨૫૦૦૦ કરોડના લોકહિત-જનકલ્‍યાણ કામોનું લોકાર્પણ

પીએમ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં : આજે સાંજે ૫:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તરત ગાંધીનગર જશે : કાર્યક્રમોની વણઝાર સાથે ફુંકશે ચુંટણીનું રણશિંગુ : કાલે ૯:૪૦ કલાકે દિયોદર બ.કાંઠા ડેરી સંકુલમાં કાર્યક્રમ : ૩:૩૦ કલાકે જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્‍દ્રનો કરશે શિલાન્‍યાસ : ૨૦મીએ ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમઃ રાજ્‍ય-સ્‍થાનિક વહીવટી તંત્ર અને ભાજપની તૈયારી પૂરજોશમાં

અમદાવાદ,તા. ૧૮: વડાપ્રધાન મોદી આજે સાંજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેના માટે રાજયથી માંડીને સ્‍થાનિક વહીવટીતંત્ર તથા ભાજપ સંગઠન દ્વારા વિવિધ તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિના પછી ફરીથી માદરે વતન આવી રહેલા પીએમ મોદી ગુજરાતની જનતાને લગભગ ૨૫૦૦૦ કરોડથી વધુના વિવિધ લોકહિત અને જનકલ્‍યાણના કામોનું લોકાર્પણ કરવાના છે.
મુલાકાતના અંતિમ ચરણમાં દાહોદ ખાતે ૨૦૦૦૦ કરોડના રોકાણથી ૯૦૦૦ એચપીના ઈલેક્‍ટ્રિક રેલવે એન્‍જિનના નિર્માણ માટેના ખાતમુહૂર્ત કરવાના છે. આ ઉપરાંત મધ્‍ય ગુજરાતમાં આદિવાસી પટ્ટાના લોકો માટેના વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી ૧૮ એપ્રિલના રોજ સાંજે ૫.૩૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્‍યાંથી સીધા જ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરની મુલાકાત સાથે ત્રણ દિવસની યાત્રાનો આરંભ કરશે. ૧૯મીએ સવારે ૯.૪૦ વાગ્‍યે પીએમ સચિવાલય સંકુલના હેલિપેડથી સીધા બનાસકાંઠાના દિયોદર ખાતે પહોંચશે જયાં બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલા નવા ડેરી સંકુલનું લોકાર્પણ કરશે. અહીં દૂધ ઉપરાંત ચીઝ, છાશ, માખણ, ચોકલેટ, આઈસક્રીમના પણ ઉત્‍પાદન થશે.
આ ઉપરાંત બટાટાના પ્રોસેસિંગ પ્‍લાન્‍ટનું પણ લોકાર્પણ કરશે. આ સાથે બનાસ કોમ્‍યુનિટી રેડિયો સ્‍ટેશનનું પણ વડાપ્રધાન મોદીના હસ્‍તે લોકાર્પણ થશે. ત્‍યારબાદ ૧૯મીની મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્‍યે પીએમ મોદી જામનગર નજીક WHOના ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્‍સનું ખાતમુહૂર્ત કરશે.
આ પ્રસંગે મોરિશિયસના પીએમ, વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન (WHO)ના ડાયરેક્‍ટર જનરલ, આયુષ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. ૨૦મીએ સવારે ૧૦.૩૦ વાગ્‍યે ગાંધીનગર મહાત્‍મા મંદિર ખાતે યોજાનાર ત્રિ-દિવસીય આયુષ સમિટને ખુલ્લી મુકાશે. ત્‍યાંથી ૩.૩૦ વાગ્‍યા પછી સીધા દાહોદ પહોંચશે. જયાં પાણી પુરવઠા, દાહોદ સ્‍માર્ટ સિટી, પીએમ આવાસ યોજના, જેટકોના સબ સ્‍ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓનું ઉદઘાટન કરવાના છે
પ્રધાનમંત્રી મોદી ૧૮ થી ૨૦ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. ૧૮ એપ્રિલના રોજ સાંજે લગભગ ૬ વાગ્‍યે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના વિદ્યા સમીક્ષા કેન્‍દ્રની મુલાકાત લેશે. ૧૯ એપ્રિલના રોજ સવારે લગભગ ૯:૪૦ કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્‍યાસ કરશે.
ત્‍યારપછી, લગભગ ૩:૩૦ કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્‍દ્રનો શિલાન્‍યાસ કરશે. ૨૦ એપ્રિલના રોજ સવારે લગભગ ૧૦:૩૦ વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્‍કાર સંમેલનનું ઉદ્‍દ્યાટન કરશે. ત્‍યાર બાદ, બપોરે લગભગ ૩:૩૦ કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન તેમજ શિલાન્‍યાસ કરશે.
પ્રધાનમંત્રી ૧૮ એપ્રિલેના રોજ સાંજે લગભગ ૬ વાગ્‍યે ગાંધીનગરમાં શાળાઓ માટેના  વિદ્યા સમીક્ષા કેન્‍દ્રની મુલાકાત લેશે. આ કેન્‍દ્રમાં દર વર્ષે ૫૦૦ કરોડ કરતાં વધારે ડેટા સેટ્‍સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્‍સ, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્‍લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્‍યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે.
આ કેન્‍દ્ર દૈનિક ધોરણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવામાં મદદ, વિદ્યાર્થીઓના અભ્‍યાસના પરિણામોનું કેન્‍દ્રીયકૃત સમુચિત અને સમયાંતર મૂલ્‍યાંકન વગેરે કરે છે. શાળાઓ માટેના કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરને વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્‍ટિસ માનવામાં આવ્‍યું છે. જેમણે અન્‍ય દેશોને પણ આની મુલાકાત લેવા માટે અને તેમાંથી શીખવા માટે આમંત્રણ આપ્‍યું છે.
પ્રધાનમંત્રી ૧૯ એપ્રિલના રોજ સવારે લગભગ ૯:૪૦ કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્‍કરણ પ્‍લાન્‍ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્‍ડ પ્રોજેક્‍ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે ૩૦ લાખ લીટર દૂધનું પ્રસંસ્‍કરણ થઇ શકશે. ૮૦ ટન માખણનું ઉત્‍પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, ૨૦ ટન કન્‍ડેન્‍સ્‍ડ દૂધ (ખોયા) અને ૬ ટન ચોકલેટનું ઉત્‍પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્‍કરણ પ્‍લાન્‍ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્‍કરણ કરેલી વસ્‍તુઓનું ઉત્‍પાદન થઇ શકશે જેમાં ફ્રેન્‍ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્‍સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્‍તુઓને અન્‍ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્‍લાન્‍ટ્‍સથી સ્‍થાનિક ખેડૂતોનું સશક્‍તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને દ્યણો વેગ મળશે.
પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્‍ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સામુદાયિક રેડિયો સ્‍ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્‍વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્‍યું છે. આ રેડિયો સ્‍ટેશન સાથે ૧૭૦૦ જેટલા ગામડાના લગભગ ૫ લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે.પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્‍લાન્‍ટ ખાતે ચીઝની પ્રોડક્‍ટ્‍સ અને છાસ પાવડરના ઉત્‍પાદન માટે વિસ્‍તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્‍થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્‍લાન્‍ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે. પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા - ભીલડી, રાધનપુર અને થાવર ખાતે ૧૦૦ ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્‍લાન્‍ટ્‍સના નિર્માણ માટે શિલાન્‍યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી ૧૯ એપ્રિલના રોજ બપોરે લગભગ ૩:૩૦ કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્‍દ્ર (GCTM)નો શિલાન્‍યાસ કરશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્‍ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડો. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્‍થિત રહેશે. GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્‍દ્ર બનશે જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હોય. વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે તે ઉભરી આવશે.
ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહત્‍મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્‍કાર સંમેલનનું આયોજન કરવામાં આવશે. જેનું ઉદઘાટન ૨૦ એપ્રિલના રોજ સવારે લગભગ ૧૦:૩૦ કલાકે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી અને WHOના મહાનિદેશક પણ ઉપસ્‍થિત રહેશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં ૫ પૂર્ણ સત્રો, ૮ ગોળમેજી સંવાદ, ૬ વર્કશોપ અને ૨ સિમ્‍પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ ૯૦ ખ્‍યાતનામ વક્‍તાઓ અને ૧૦૦ જેટલા પ્રદર્શકો ભાગ લેશે. આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ ઉજાગર કરવામાં મદદ મળશે અને આવિષ્‍કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. આ સંમેલનથી ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકમંચ પર એકઠા કરી શકાશે અને ભવિષ્‍યના સહયોગ માટેના મંચ તરીકે પણ તે કામ કરશે.
પ્રધાનમંત્રી ૨૦ એપ્રિલના રોજ બપોરે લગભગ ૩:૩૦ કલાકે દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહેશે જયાં તેઓ અંદાજે રૂપિયા ૨૨,૦૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કરશે અને શિલાન્‍યાસ કરશે. આ સંમેલનમાં ૨ લાખ કરતાં વધારે લોકો ઉપસ્‍થિત રહેશે તેવી અપેક્ષા છે.
પ્રધાનમંત્રી અંદાજે રૂપિયા ૧૪૦૦ કરોડથી વધારે મૂલ્‍યની પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્‍તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદઘાટન કરશે જે નર્મદા બેઝીન વિસ્‍તારમાં રૂપિયા ૮૪૦ કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે ૨૮૦ ગામડાંઓની પાણીની જરૂરિયાત પૂરી કરી શકાશે. પ્રધાનમંત્રી રૂપિયા ૩૩૫ કરોડના મૂલ્‍યની દાહોદ સ્‍માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર (ICCC) ભવન, સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્‍ટમ, સ્‍યૂઅરેજ કાર્યો, દ્યન કચરાની વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્‍ટમ સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા ૧૨૦ કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ ૧૦,૦૦૦ આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી ૬૬ KV ઘોડિયા સબસ્‍ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્‍ય પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી દાહોદમાં આવેલા પ્રોડક્‍શન યુનિટ ખાતે ૯૦૦૦ HP ઇલેક્‍ટ્રિક લોકોમોટીવનું ઉત્‍પાદન કરવા માટે શિલાન્‍યાસ કરશે. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા ૨૦,૦૦૦ કરોડ છે. વરાળ એન્‍જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે ૧૯૨૬માં દાહોદ વર્કશોપની સ્‍થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્‍ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્‍યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે. આના કારણે અંદાજે ૧૦,૦૦૦ કરતાં વધારે લોકોને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. પ્રધાનમંત્રી રૂપિયા ૫૫૦ કરોડના મૂલ્‍યની રાજય સરકારની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ શિલાન્‍યાસ કરશે. આમાં રૂપિયા ૩૦૦ કરોડના મૂલ્‍યની વિવિધ જળ પુરવઠા પરિયોજનાઓ, અંદાજે રૂપિયા ૧૭૫ કરોડની દાહોદ સ્‍માર્ટ સિટી પરિયોજનાઓ, દૂધીમતી નદી પરિયોજના સંબંધિત વિવિધ કાર્યો,ઘોડિયા ખાતે GETCO સબસ્‍ટેશનનું કામ તેમજ અન્‍ય કાર્યો સામેલ છે.

 

(11:31 am IST)