Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ભારતમાં ફરી ગતિ પકડી રહ્યો છે કોરોના???

યુપી, હરિયાણા અને દિલ્‍હીમાં વધી રહ્યા છે કેસ : જાન્‍યુઆરી પછી સાપ્‍તાહિક કેસોમાં ૩૫ ટકાનો વધારો

નવી દિલ્‍હી, તા.૧૮: ૧૧ અઠવાડીયા સતત ઘટયા પછી ભારતમાં આ સપ્‍તાહે ફરીથી કોરોના કેસમાં વધારો જોવા મળ્‍યો છે. દિલ્‍હી, હરિયાણા, યુપી અને તેના નજીકના રાજયોમાં સંક્રમણમાં વધારા સાથે પાછલા સાત દિવસની સંખ્‍યામાં ૩૫ ટકા વધારો જોવા મળ્‍યો છે.

જો કે કુલ કેસોની સંખ્‍યા ઓછી છે અને હજુ સુધી વધારો આ ત્રણ  રાજયો પુરતો જ સીમીત છે. પણ આ વધતા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના કોવિડ ડેટા બેસ અનુસાર ભારતમાં રવિવારે (૧૧-૧૭ એપ્રિલ) સમાપ્‍ત સપ્‍તાહમાં લગભગ ૬૬૧૦ નવા કેસ નોંધાયા જે ગત સપ્‍તાહના ૪૯૦૦ કેસોની સરખામણીમાં વધારે છે.

આ પહેલા ગત સપ્‍તાહમાં લગભગ ૭૦૧૦ કેસ નોંધાયા હતા. પણ આ વખતના આંકડામાં કેરળના આંકડા સામેલ નથી. કેમ કે તેણે વર્તમાન સપ્‍તાહથી કોરોના ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધુ છે. કેરળમાં ગત સપ્‍તાહે (૪-૧૦ એપ્રિલ) ૨૧૮૫ કેસ નોંધાયા હતા.દેશમાં કોરોનાથી થનાર મોતમાં ઘટાડો ચાલુ છે, સપ્‍તાહ દરમ્‍યાન ફકત ૨૭ નવા મોત નોંધાયા જે ૨૦૨૦ પછીથી બે વર્ષમાં સૌથી ઓછા છે. ગયા અઠવાડીયે કુલ ૫૪ મોત થયા હતા જેમાં કેરળમાં ૧૩ મોત થયા હતા.

સંક્રમણમાં વધારો જોનારા ત્રણ રાજયોમાં એક અઠવાડીયામાં નવા કેસો બમણાથી વધારે જોવા મળ્‍યા. દિલ્‍હીમાં નવા કેસોની સંખ્‍યા સૌથી વધારે ૨૩૦૭ છે જે ગયા સપ્‍તાહના ૯૪૩ની સરખામણીમાં ૧૪૫ ટકા વધારે છે. દેશમાં નોંધાયેલ કુલ કેસમાં રાજધાનીનો હિસ્‍સો એક તૃત્‍યાંશથી વધારે છે. હરિયાણામાં સાપ્‍તાહિક કેસો વધીને ૧૧૧૯ થઇ ગયા જે ગત સપ્‍તાહની સંખ્‍યા ૫૧૪ થી ૧૧૮ ટકા વધારે છે. તો યુપીમાં આ અઠવાડીયે ૫૪૦ કેસ નોંધાયા જે ગયા સપ્‍તાહના ૨૨૪ કરતા ૧૪૧ ટકા વધારે છે. યુપી, હરિયાણા બંને રાજયોમાં મોટા ભાગના નવા કેસો દિલ્‍હી નજીકના એનસીઆર શહેરો જેમ કે ગુડગાંવ, નોઇડા અને ગાઝીયાબાદમાંથી આવી રહ્યા છે.

દેશના બાકીના ભાગોમાં કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્‍થાનમાં સાપ્‍તાહિક કેસોમાં બહુ ફેરફાર નથી થયો. ગુજરાતમાં ગત સપ્તાહમાં જોવા મળેલ વધારો આ સપ્તાહમાં ઓછો જણાયો. રાજયમાં આ સપ્તાહે ૧૧૦ કેસ નોંધાયા, જયારે ગત સપ્તાહમાં ૧૧૫ નવા કેસ નોંધાયા હતા, રાજસ્‍થાનમાં ૬૭ની સામે ૯૦ કેસ આ સપ્તાહે નોંધાયા હતા.

(11:39 am IST)