Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

મહારાષ્‍ટ્ર સરકારનો મહત્‍વનો નિર્ણય : ધાર્મિક સ્‍થળે પરવાનગી બાદ જ લગાડી શકાશે લાઉડ સ્‍પીકરો

પરવાનગી વગર લગાડનાર વિરૂધ્‍ધ કડક પગલા લેવાશે

મુંબઇ તા. 18 : મહારાષ્ટ્રમાં લાઉડસ્‍પીકર અંગે વટહુકમ બહાર પાડવામાં આવ્‍યો છે. હવે મસ્‍જિદની નજીક 100 મીટરની ત્રિજયામાં હનુમાન ચાલીસા કે ભજન વગાડી શકાશે નહીં. આ સિવાય ભજન માટે પણ પરવાનગી જરૂરી છે. નાસિકના ડેપ્‍યુટી કમિશનર દીપક પાંડેએ સોમવારે આ જાણકારી આપી છે. ખાસ વાત એ છે કે તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ મસ્‍જિદોમાંથી લાઉડસ્‍પીકર હટાવવાની ચેતવણી આપી હતી.
 પાંડેએ કહ્યું, ‘હનુમાન ચાલીસા કે ભજન વગાડતા પહેલા પરવાનગી લેવી પડશે. તે અઝાનની 15 મિનિટ પહેલા કે પછી વગાડી શકાશે નહીં. તેમને મસ્‍જિદની નજીક 100 મીટરની ત્રિજયામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશનો હેતુ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાનો છે. હાલ રાજયમાં અજાન અને લાઉડ સ્‍પીકરોનો મુદ્દો ગરમ છે.'
પોલીસ અધિકારીએ કહ્યું, ‘તમામ ધાર્મિક સ્‍થળોને 3 મે સુધીમાં લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી લેવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે.' 3 મે પછી, જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરતું જોવા મળશે, તો ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલ્‍સે પાટીલે જણાવ્‍યું હતું કે, ‘રાજય પોલીસ અને મુંબઈ કમિશનર બેસીને નિર્ણય લેશે અને લાઉડસ્‍પીકર અંગેની માર્ગદર્શિકા નક્કી કરશે.' આવી પરિસ્‍થિતિને સંભાળવા માટે પોલીસ (ધાર્મિક તણાવ) તૈનાત છે. અમે ધ્‍યાન રાખીએ છીએ કે કોઈપણ પ્રકારનું ટેન્‍શન ન રહે. તાજેતરમાં તેમણે પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક કરી હતી.
તેમણે માહિતી આપી હતી કે માર્ગદર્શિકા 1-2 દિવસમાં જારી કરવામાં આવશે. પાટીલે કહ્યું કે અમારે રાજયમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર નજર રાખવાની છે. તેમણે કહ્યું કે રાજયમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ પોલીસે કહ્યું કે રાજયમાં તણાવ ઉશ્‍કેરતી પોસ્‍ટ પર નજર રાખવા માટે ‘સોશિયલ મીડિયા લેબ' સક્રિય કરવામાં આવી છે. તેમણે માહિતી આપી કે અત્‍યાર સુધીમાં આવી 3000 પોસ્‍ટ ડિલીટ કરવામાં આવી છે.

 

(3:00 pm IST)