Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

SBIએ આપ્‍યો ઝાટકોઃ હોમલોન અને કાર લોન મોંઘી કરી

આ નવો વધારો ૧૫ એપ્રિલથી જ કરાયો લાગૂઃ લોન લેનાર ગ્રાહકો પર પડશે સૌથી વધુ અસર : SBIએ MCLRમાં ૦.૧૦ ટકાનો કર્યો વધારો

નવી દિલ્‍હી, તા.૧૮: દેશની સૌથી મોટી બેંક સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા (SBI) એ ૧૫ એપ્રિલથી MCLR પર હોમ લોન, કાર લોન અને અન્‍ય લોન લેવી મોંઘી થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે SBI એ માર્જિનલ કોસ્‍ટ ઓફ લેન્‍ડિંગ રેટ (MCLR) પર લીધેલી તમામ ટર્મ લોન પર વ્‍યાજ દરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ પર રજૂ કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્‍યું છે કે MCLRમાં આ વધારો ૧૫ એપ્રિલથી લાગુ થશે.
બેંકે એક દિવસ, એક મહિના અને ત્રણ મહિના માટે MCLR ૬.૬૫ ટકાથી વધારીને ૬.૭૫ ટકા કર્યો છે. તો છ મહિના માટે MCLR ૬.૯૫ ટકાથી વધારીને ૭.૦૫ ટકા કરવામાં આવ્‍યો છે.
દેશના સૌથી મોટા ધિરાણકર્તાએ એક વર્ષનો MCLR ૭ ટકાથી વધારીને ૭.૧૦ ટકા કર્યો છે. બે વર્ષનો MCLR ૭.૨૦ ટકાથી વધારીને ૭.૩૦ ટકા અને ત્રણ વર્ષનો MCLR ૭.૩૦ ટકાથી વધારીને ૭.૪૦ ટકા કરવામાં આવ્‍યો છે.
દરમિયાન બેંક ઓફ બરોડાએ પણ તમામ ટર્મ લોન પર MCLRમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારો ૧૨ એપ્રિલથી અમલમાં આવ્‍યો છે. જાહેર ક્ષેત્રની બેંકે એક્‍સચેન્‍જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.
બેંકે કહ્યું કે એક વર્ષના સમયગાળા માટે MCLR વધારીને ૭.૩૫ ટકા કરવામાં આવ્‍યો છે. તો એક દિવસ, એક મહિના, ત્રણ મહિના અને છ મહિના માટે MCLR અનુક્રમે ૬.૫૦ ટકા, ૬.૯૫ ટકા, ૭.૧૦ ટકા અને ૭.૨૦ ટકા કરવામાં આવ્‍યા છે.(૨૩.૨૨)

 

(3:58 pm IST)