Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

રાજકોટમાં મોરેશીયસના વડાપ્રધાન પ્રવીન્દ જૂગનાથનું ભવ્ય સ્વાગત કરાયું : વડાપ્રધાન પ્રવીન્દ જૂગનાથને આવકારતા કેન્દ્રીય મંત્રીઓ તથા રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર

મોરેશિયસના વડાપ્રધાનને રાજકોટની ભૂમિ પર અપાયું ગાર્ડ ઓફ ઓનર : રાજકોટ એરપોર્ટ પર મોરેશિયસ ના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ નાં ભવ્ય સ્વાગત સાથે ધમાકેદાર રોડ શો પણ યોજાયો : રોડશો નાં આખા રુટ પર બનાવાયેલ 25 સ્ટેજ ઉપર સાંસ્કૃતિત કાર્યક્રમો નિહાળી ને શ્રી જુગનાથ થયા ભાવવિભોર

રાજકોટ તા.૧૮ એપ્રિલ - રાજકોટના આંગણે પધારેલા મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ અને તેમના ધર્મપત્ની શ્રીમતી કોબીતા જૂગનાથનું આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલ, આયુષ મંત્રાલયના સચિવ ડો. રાજેશ કોટેચા, મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા ઈ.ચા. પોલીસ કમિશ્નર ખૂર્શિદ અહેમદ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યાર બાદ વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથનું ભારતીય પરંપરા મુજબ બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને પારંપરિક સ્વાગત કરાયું હતું.
 
ત્યાર બાદ એરપોર્ટથી રાજીવ ગાંધી ચોક સુધી  તેઓનું ભવ્ય સ્વાગત જિલ્લા વહીવટી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ, અને પદાધિકારી દ્વારા કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને જબરદસ્ત આવકાર અપાયો હતો. મોરેશિયસના વડાપ્રધાનના સત્કાર બાદ રાજકોટની ભૂમી પર તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ સાથે તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રોડ શોમાં સ્ટેજ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા મોરેશિયસના વડાપ્રધાનનું અભિવાદન કરાયું હતું. એરપોર્ટ ખાતે પ્રાચીન ગરબા, તલવાર રાસ, લોકનૃત્ય, વંદેમાતરમ ગીત સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને વડાપ્રધાનશ્રીને આવકારાયા હતા.

રાજકોટ એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કુલ ૨૫ સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરાયા હતા. જે પૈકી ૧૦ સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ૧૫ સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ  દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કર્યા હતા.

સમગ્ર રોડ શો દરમ્યાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસીક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. રોડ-શો ના વિવિધ સ્પોટ પર આત્મીય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનીયસ સ્કુલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાળા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભર અભિવાદન કરવામાં આવ્યું હતું જેને નિહાળી ને શ્રી જુગનાથ ભાવવિભોર થઈ ગયા હતા.

એરપોર્ટની બહાર પણ વિવિધ સ્ટેજ પર ગરબા, સંસ્કૃતિક નૃત્ય , લોકનૃત્ય , સિદિનું ધમાલ નૃત્ય, કથક નૃત્ય પ્રદર્શિત કરીને તથા પુષ્પવૃષ્ટિ કરીને મોરેશીયસના વડાપ્રધાનને આવકાર આપ્યો હતો.

આ  સ્વાગત કાર્યક્રમમાં  સાંસદ રામભાઇ મોકરીયા અને  મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર પ્રદિપ ડવ,  ઉદ્યોગ સચિવ રાહુલ ગુપ્તા, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસીપલ કમિશનર અમીત અરોરા, શહેર ભા.જ.પ.પ્રમુખ કમલેશભાઈ મીરાણી,  રાજુભાઈ ધ્રુવ સહિતનાં મહાનુભાવો/અધિકારીઓ, સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(8:00 pm IST)